ઉત્તર ગુજરાતના લાખો પશુપાલકોની જીવાદોરી સમાન અને એશિયાની અગ્રણી ડેરીઓમાં સ્થાન ધરાવતી સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ (સાબરડેરી) ના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે. ગતરોજ ભાજપના નિરીક્ષકો દ્વારા સાબરડેરીના નવા હોદ્દેદારોની પસંદગી માટે તમામ ડિરેક્ટરોની સેન્સ લેવામાં આવી હતી. જોકે, સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ કોઈપણ એક નામ પર સર્વાનુમતે મહોર ન લાગતાં મામલો ગૂંચવાયો છે. ચેરમેન અને વાઈસ ચેરમેન બંને પદો માટે એકથી વધુ પ્રબળ દાવેદારો મેદાનમાં હોવાથી સર્જાયેલી ભારે ખેંચતાણ વચ્ચે આજે તમામ નિયામક મંડળ (બોર્ડ ઓફ ડિરેક્ટર્સ) ને તાત્કાલિક ગાંધીનગર ખાતે બોલાવવામાં આવ્યા છે. ગાંધીનગરથી આવેલા આ તેડાંને પગલે સાબરકાંઠા અને અરવલ્લી સહિત સમગ્ર રાજ્યના સહકારી રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

ચેરમેન પદે 4 અને વાઇસ ચેરમેન પદે 3 નામોની રેસ (દાવેદારોની યાદી)

સાબરડેરીના સર્વોચ્ચ પદો પર કબ્જો જમાવવા માટે સહકારી ક્ષેત્રના દિગ્ગજ આગેવાનો વચ્ચે જોરદાર લોબિંગ ચાલી રહ્યું છે.ચેરમેન પદ માટે 4 પ્રબળ દાવેદારો,જેઠાભાઈ પટેલ પૂર્વ ચેરમેન અને ડેરીના સહકારી રાજકારણના જૂના જોગી.વિપુલ પટેલ સંગઠન અને ડિરેક્ટરોમાં મજબૂત પકડ ધરાવતો ચહેરો.ભોગીલાલ પટેલ સ્થાનિક સહકારી નેટવર્કમાં સક્રિય આગેવાન.મણીભાઈ પટેલ વરિષ્ઠ ડિરેક્ટર તરીકે દાવેદારીમાં આગળ.

વાઇસ ચેરમેન પદ માટે 3 નામો વચ્ચે સ્પર્ધા

કાંતિભાઈ પટેલ (ભિલોડા): આદિવાસી પટ્ટા અને ભિલોડા પંથકનું પ્રતિનિધિત્વ.શામળભાઈ પટેલ (મોડાસા): અરવલ્લી જિલ્લાના સહકારી વર્તુળમાં મોટું નામ.કાંતિભાઈ પટેલ (ધનસુરા): ધનસુરા વિસ્તારના અગ્રણી સહકારી ચહેરો. ગાંધીનગરથી થશે નામની સત્તાવાર જાહેરાત નિરીક્ષકો સમક્ષ અલગ અલગ જૂથો દ્વારા પોતપોતાના નેતાઓના સમર્થનમાં રજૂઆતો કરાઈ હતી. એકમત ન સધાતાં આખરી નિર્ણય પક્ષના પ્રદેશ મોવડીમંડળ અને સરકારના ઉચ્ચ કક્ષાના સહકારી નેતૃત્વ પર છોડવામાં આવ્યો છે.ગાંધીનગર ખાતે પ્રદેશ ભાજપના શીર્ષ નેતાઓ તમામ ડિરેક્ટરો સાથે બેઠક યોજીને જૂથબંધી ટાળવા અને સર્વસંમતિ સાધવા પ્રયાસ કરશે.પક્ષ દ્વારા જેને પણ મેન્ડેટ આપવામાં આવશે તેના નામ પર સત્તાવાર મહોર મારવા માટે ડિરેક્ટરોને સૂચના અપાશે, જેથી સ્થાનિક સ્તરે બોર્ડ મિટિંગ દરમિયાન કોઈ આંતરિક વિરોધ કે ક્રોસ-વોટિંગ જેવી સ્થિતિ ન સર્જાય.

આ પણ વાંચો: Ahmedabad: SG હાઈવે પર 464 કરોડનો ઇસ્કોન-સરખેજ એલિવેટેડ કોરિડોર તૈયાર; 9 મીએ અમિત શાહ કરશે ભવ્ય લોકાર્પણ!