અમદાવાદ શહેરની ધોરી નસ સમાન સરખેજ-ગાંધીનગર (SG) હાઈવે પર રોજિંદી મુસાફરી કરતા લાખો વાહનચાલકો માટે સૌથી મોટા અને રાહતરૂપ સમાચાર સામે આવ્યા છે. એસ.જી. હાઈવે પર સૌથી વધુ ટ્રાફિકથી ધમધમતા ઇસ્કોન જંકશનથી લઈને છેક સરખેજ ક્રોસ રોડ સુધીનો અત્યાધુનિક એલિવેટેડ કોરિડોર આખરે સંપૂર્ણપણે તૈયાર થઈ ગયો છે. અંદાજે રૂપિયા 464 કરોડના તોતિંગ ખર્ચે નિર્માણ પામેલા આ વિશાળ ફ્લાયઓવરનું આગામી 9 નવેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના વરદહસ્તે લોકાર્પણ કરવામાં આવશે. આ બ્રિજ શરૂ થતાં જ વાહનચાલકોને વચ્ચે આવતા અનેક ચાર રસ્તા અને ટ્રાફિક સિગ્નલો પર ઊભા રહ્યા વિના સીધા જ ગાંધીનગરથી સરખેજ સુધી સિગ્નલ-ફ્રી કનેક્ટિવિટી મળશે, જેનાથી પીક-અવર્સમાં સર્જાતો ટ્રાફિક જામ હવે કાયમ માટે ઈતિહાસ બની જશે.
ચાર રસ્તાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ અમદાવાદ-ગાંધીનગર નોન-સ્ટોપ
અત્યાર સુધી ઇસ્કોન અને સરખેજ વચ્ચેના જંકશનો પર વાહનચાલકોને 15 થી 25 મિનિટ સુધી ટ્રાફિક સિગ્નલોમાં અટવાવું પડતું હતું. એલિવેટેડ કોરિડોર પર વાહનો ચડ્યા બાદ કોઈપણ સિગ્નલ વગર માત્ર ગણતરીની મિનિટોમાં આ અંતર કપાઈ જશે.વાહનચાલકોની સલામતી, આધુનિક લાઈટિંગ અને હેવી ટ્રાફિક લોડને પહોંચી વળે તેવી ટેકનોલોજી સાથે આ કોરિડોરનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. રોજેરોજ નોકરી-ધંધા અર્થે સરખેજથી ગાંધીનગર, સાણંદ, બોપલ કે એસ.જી. હાઈવે તરફ અવરજવર કરતા હજારો પ્રવાસીઓના કિંમતી સમય તેમજ ઇંધણનો મોટો બચાવ થશે.
