અમદાવાદના પૂર્વ વિસ્તાર નિકોલ સ્થિત દેવસ્ય સર્કલ પાસે બેફામ ફોર્ચ્યુનર કાર ફૂટપાથ પર ચડાવી દઈ ખરીદી કરી રહેલા નિર્દોષ માતા અને પુત્રને કચડી મારવાના ચકચારી હિટ એન્ડ રન કેસમાં પોલીસ તપાસ દરમિયાન અત્યંત સ્તબ્ધ કરી દેનારો ઘટસ્ફોટ થયો છે. દારૂના નશામાં ધૂત થઈ ગાડી હંકારી રહેલો આરોપી વિરલ ચૌધરી દુર્ઘટના સમયે કારમાં એકલો નહોતો, પરંતુ તેની સાથે તેનો ખાસ મિત્ર સાગર પણ સવાર હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, અકસ્માત સર્જાયો ત્યારે વિરલ એક હાથે ફોર્ચ્યુનરનું સ્ટિયરિંગ અને બીજા હાથે બિયરનું કેન પકડીને બેફિકર બની ડ્રાઈવિંગ કરી રહ્યો હતો. ચાલુ કારમાં બિયરની ચુસ્કીઓ લેવાના નશાખોર ચાળામાં તેણે વાહન પરનો કાબૂ સંપૂર્ણ ગુમાવી દીધો હતો અને ફૂટપાથ પર બેઠેલા માસૂમો પર કાળ બનીને કાર ચડાવી દીધી હતી.
મિત્રના ઘરે બિયર પાર્ટી પછી ચાલુ ગાડીમાં પણ નશો ચાલુ રાખ્યો
અકસ્માત પહેલાં વિરલ ચૌધરી તેના મિત્ર સાગરના ઘરે ગયો હતો. ત્યાં બંને મિત્રોએ સાથે બેસીને બિયરની મહેફિલ માણી હતી.ત્યારબાદ બંને જમવા જવા નીકળ્યા ત્યારે વિરલે કારમાં પણ બિયરના ટીન સાથે રાખ્યા હતા. એક હાથે સ્ટિયરિંગ સંભાળી બીજા હાથે બિયર પીતાં પીતાં તે ફૂલ સ્પીડે ફોર્ચ્યુનર હંકારી રહ્યો હતો.અકસ્માત સર્જાતાં જ લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. આ હોબાળા અને નાસભાગનો લાભ લઈને કારમાં બેઠેલો મિત્ર સાગર તરત જ નીચે ઉતરીને ગાયબ થઈ ગયો હતો, જ્યારે સ્થાનિક લોકોએ ડ્રાઈવર સીટ પરથી નશામાં લથડિયાં ખાતા વિરલ ચૌધરીને સ્થળ પર જ ઝડપી પાડી પોલીસને સોંપ્યો હતો.
