વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) ના નામે ગરીબ અને સામાન્ય નાગરિકો સાથે છેતરપિંડી આચરતી ભેજાબાજ ટોળકીનો વધુ એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલી સરકારી આવાસ યોજનાની કોમર્શિયલ દુકાન સસ્તા ભાવે અપાવવાની લાલચ આપી એક નિર્દોષ નાગરિક પાસેથી કટકે-કટકે રૂપિયા 9.05 લાખ પડાવી લેવામાં આવ્યા છે. આ સમગ્ર કૌભાંડમાં ભાજપના સ્થાનિક કાર્યકરના પુત્ર કશ્યપ જોશી અને તેની ટોળકીની સંડોવણી ખુલ્લી પડી છે. આરોપીઓએ વડોદરા મહાનગરપાલિકા (VMC) તેમજ સબ-રજિસ્ટ્રાર કચેરીના નકલી રબર સ્ટેમ્પ અને બોગસ સહીઓ કરી નકલી એલોટમેન્ટ અને રજિસ્ટ્રીના દસ્તાવેજો બનાવી આપ્યા હતા. ભોગ બનનારને લાંબા સમય સુધી દુકાનનો કબજો ન મળતાં તેમણે કચેરીએ જઈ તપાસ કરતાં આખું કૌભાંડ છતું થયું હતું, જેને પગલે ગોરવા પોલીસ મથકે ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

હાઉસિંગ બોર્ડના નકલી અધિકારી બની ₹9.05 લાખ પડાવ્યા

આરોપી કશ્યપ જોશીએ પોતે ‘ગુજરાત હાઉસિંગ બોર્ડ’નો વગદાર અધિકારી હોવાની ખોટી ઓળખ આપી હતી. તેણે સુભાનપુરા આવાસ યોજનામાં દુકાન ખાલી હોવાનું કહી ફરિયાદીને પોતાના વિશ્વાસમાં લીધા હતા.ફોર્મ ફી, એલોટમેન્ટ ડિપોઝિટ અને સરકારી ચાર્જના બહાને ફરિયાદી પાસેથી અલગ અલગ તબક્કે કુલ ₹9.05 ની રકમ પડાવી લેવામાં આવી હતી. આરોપીઓએ છેતરપિંડી છુપાવવા માટે સરકારી તંત્ર જેવો જ માહોલ ઊભો કર્યો હતો. વડોદરા મહાનગરપાલિકા અને સબ-રજિસ્ટ્રાર કચેરીના બોગસ રબર સ્ટેમ્પ બનાવી, ખોટી સહીઓ કરીને બનાવટી સરકારી દસ્તાવેજો ફરિયાદીને પધરાવી દીધા હતા.નાણાં ચૂકવ્યા બાદ પણ મહિનાઓ સુધી દુકાનની ચાવી કે સત્તાવાર કબજો ન મળતાં શંકા જતાં ફરિયાદીએ VMC કચેરી ખાતે જઈ ચકાસણી કરાવી હતી. જ્યાં તેમના હાથમાં રહેલા દસ્તાવેજો સંપૂર્ણપણે નકલી અને બનાવટી હોવાનું સામે આવતાં તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

કશ્યપ જોશી સહિત 4 આરોપીઓ સામે ગોરવા પોલીસમાં ગુનો

ગોરવા પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે મુખ્ય સૂત્રધાર કશ્યપ જોશી, જીલ બારોટ, રોહન સોલંકી અને શુભમ મહાવર સામે આઈપીસી/બીએનએસની વિવિધ કલમો હેઠળ છેતરપિંડી, વિશ્વાસઘાત અને બનાવટી દસ્તાવેજો બનાવવા (ફોર્જરી) અંગે ગુનો દાખલ કર્યો છે. સ્થાનિક વર્તુળો મુજબ ભાજપ કાર્યકરના પુત્ર કશ્યપ જોશી સામે અગાઉ પણ આવા વિવાદો સામે આવી ચૂક્યા છે, ત્યારે આ ટોળકીએ અન્ય કેટલા લોકોને સરકારી આવાસ કે દુકાનોના નામે છેતર્યા છે તે અંગે ગોરવા પોલીસે તપાસ તેજ કરી છે.આરોપીઓની ધરપકડ કરવા માટે પોલીસ ટીમો દ્વારા અલગ-અલગ સ્થળોએ દરોડા પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: Ankleshwar: પાનોલી GIDC ની સુપ્રીમ પેટ્રોકેમ કંપનીમાં વિસ્ફોટ બાદ ભીષણ આગ; 3 કામદારો ગંભીર રીતે દાઝ્યા