સાબરકાંઠા જિલ્લાની સાબર ડેરી દ્વારા સાબરદાણની પ્લાસ્ટિક બેગના ભાવમાં તોતિંગ 220 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવતા ભારતીય કિસાન સંઘ લાલઘૂમ થયો છે.આ ભાવવધારો સીધો ખેડૂતો અને પશુપાલકોના આર્થિક હિતની વિરુદ્ધ હોવાનો દાવો કરીને કિસાન સંઘ દ્વારા સાબર ડેરીના ચેરમેન અને નિયામક મંડળને સત્તાવાર પત્ર લખવામાં આવ્યો છે.આ પત્રમાં ડેરી દ્વારા કરાયેલા આ અયોગ્ય ભાવવધારાને તાત્કાલિક અસરથી પાછો ખેંચવાની અને પશુપાલકોને યોગ્ય તથા વ્યાજબી ભાવે પ્લાસ્ટિક બેગ ઉપલબ્ધ કરાવવા માટે ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી છે.
કિસાન સંઘે ડેરીના ચેરમેનને પત્ર લખ્યો
સાબર ડેરી દ્વારા તાજેતરમાં પ્લાસ્ટિક બેગના ભાવમાં કરવામાં આવેલા અસહ્ય વધારા સામે પશુપાલકો અને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ મામલે ભારતીય કિસાન સંઘ દ્વારા સાબર ડેરીના ચેરમેન તથા નિયામક મંડળને એક લેખિત રજૂઆત કરીને આ ભાવવધારો તાત્કાલિક ધોરણે પાછો ખેંચવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે.ભારતીય કિસાન સંઘના પ્રમુખ/મંત્રી દ્વારા મોકલવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે,સાબર ડેરી દ્વારા પ્લાસ્ટિક બેગના ભાવમાં તાજેતરમાં રૂપિયા 220નો મોટો વધારો કરવામાં આવ્યો છે. હાલની કપરી પરિસ્થિતિમાં આ પ્રકારનો તોતિંગ ભાવવધારો પશુપાલકો અને ખેડૂતોના હિતમાં બિલકુલ યોગ્ય નથી.
