સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંકમાં ચેરમેન સામે ભારતીય દંડ સંહિતાની કલમ 420 હેઠળ ફરિયાદ દાખલ કરવા હિંમતનગર કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવતા સહકારી આલમમાં ખળભળાટ મચ્યો છે. અગાઉ છેતરપિંડી અને ખોટા દસ્તાવેજો અંગે ફરિયાદ નોંધવાની દિશામાં કોર્ટનો આદેશ થયો હતો. હવે બેંકના ચેરમેનના રાજીનામાનો મુદ્દો વધુ ગરમાયો છે.

કોર્ટના આદેશ બાદ સહકારી ક્ષેત્રમાં હલચલ

આક્ષેપ મુજબ આશરે 3 વર્ષ અગાઉ બેંકની ચૂંટણી દરમિયાન ખોટા દસ્તાવેજો ઊભા કરી ડિરેક્ટર અને ત્યારબાદ ચેરમેન બનવા અંગે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. આ મામલે હવે ફરિયાદ દાખલ કરવાનો કોર્ટનો આદેશ થતાં સાબરકાંઠા સહકારી વિભાગમાં પણ ચર્ચા તેજ બની છે. 

ચેરમેનના રાજીનામાની માંગ વચ્ચે 7 મુદ્દે સંઘર્ષ

ચેરમેનના રાજીનામાની માંગ સાથે બેંકના ડિરેક્ટર સતીશ પટેલે ખેડૂતો, સભાસદો અને બેંકના વહીવટ સાથે જોડાયેલી કુલ 7 મુખ્ય માગણીઓ રજૂ કરી હતી. માગણીઓનો ઉકેલ ન આવે તો આજથી ઉપવાસ આંદોલન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

ઉપવાસ શરૂ થાય તે પહેલાં સંચાલક મંડળ ઝૂક્યું

ડિરેક્ટરના આક્રમક વલણ બાદ બેંકના સંચાલક મંડળમાં બેઠકોનો દોર શરૂ થયો હતો. ઉપવાસ શરૂ થાય તે પહેલાં જ સંચાલક મંડળે સતીશ પટેલની તમામ 7 માગણીઓ અંગે હકારાત્મક ખાતરી આપી હતી. લેખિત અને મૌખિક ખાતરી મળ્યા બાદ હાલ પૂરતું ઉપવાસ આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું છે.

12 ઓક્ટોબરની બોર્ડ બેઠક પર સૌની નજર

હવે સમગ્ર વિવાદનો આગામી તબક્કો 12 ઓક્ટોબરે યોજાનારી સત્તાવાર બોર્ડ બેઠક બની છે. આ બેઠકમાં સતીશ પટેલની તમામ 7 માગણીઓ અંગે સ્પષ્ટ રજૂઆત કરીને ઉકેલ લાવવાની ખાતરી આપવામાં આવી છે. બેંકના એમ.ડી. દ્વારા પણ આ બેઠકમાં તમામ મુદ્દાઓના ઉકેલ અંગે આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે.

નિર્ણય નહીં આવે તો ફરી ગરમાશે વિવાદ

હાલ ઉપવાસ મોકૂફ થતાં વિવાદ થોડો શાંત પડ્યો હોય તેમ લાગી રહ્યું છે, પરંતુ 12 ઓક્ટોબરની બેઠકમાં જો ચોક્કસ નિર્ણય નહીં આવે તો મામલો ફરી ઉગ્ર બની શકે છે. ચેરમેનના રાજીનામા સહિતના મુદ્દાઓને લઈને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સહકારી તેમજ રાજકીય વર્તુળોમાં હવે 12 ઓક્ટોબરની બેઠક પર ખાસ નજર છે. 


આ પણ વાંચો :    Bengaluru : અભિનેત્રી રાન્યા રાવ સહિત 4 પર 270.8 કરોડનો દંડ, 127 કિલોથી વધુ સોનાની કથિત તસ્કરીનો ખુલાસો