સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પંથકમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. હિંમતનગરના કાંકણોલ નજીક અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે પર થયેલા એક ગંભીર અકસ્માતમાં 2 યુવકોના કરૂણ મોત નીપજ્યા છે. આ અકસ્માતને કારણે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

પ્રોટેક્શન વોલ સાથે અથડાઈને પાણીમાં ખાબક્યા યુવકો

ઘટનાની મળતી માહિતી મુજબ, હાઇવે પર વાહન ચલાવતી વખતે અકસ્માત સર્જાતા પ્રોટેક્શન વોલ સાથે અથડાઈને એક યુવક ઉછળીને સીધો નીચે પાણીમાં ખાબક્યો હતો. તેને બચાવવા માટે ગયેલા બીજા યુવક પણ પાણીની ઊંડાઈમાં ડૂબી ગયા હતા. આ ઘટનામાં સમયસર મદદ ન મળવાને કારણે પાણીમાં ડૂબી જવાથી બંને યુવકોના કમકમાટીભર્યા મોત થયા હતા.

જાદરના મેળામાં જવા નીકળ્યો હતો ગામડી ગામનો યુવક

મૃતક યુવકો પૈકી એક યુવક ગામડી ગામનો રહેવાસી હતો અને તે પોતાના મિત્ર સાથે જાદરના મેળામાં જવા માટે ઘરેથી નીકળ્યો હતો. પરંતુ રસ્તામાં જ આભ ફાટ્યા જેવી આ કુદરતી અને આકસ્મિક આફતે બે પરિવારોના યુવાન દીકરાઓનો ભોગ લીધો છે, જેના કારણે મૃતકના પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો છે.

Sabarkantha News: Two Youths Drowned Near Kankonol Highway Road Accident

ફાયર ટીમ અને પોલીસે ઘટના સ્થળે પહોંચી હાથ ધરી તપાસ

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ફાયર ટીમે ભારે જહેમત બાદ પાણીમાંથી બંને યુવકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. બીજી તરફ, સ્થાનિક પોલીસે પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માત અંગેની વધુ તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો: Sabarkantha: મુડેટી પાટિયા નજીક કારે છકડાને ઠોકર મારતાં 8 પદયાત્રીઓ ઈજાગ્રસ્ત, ઘયલ લોકોને ભિલોડા સિવિલ હોસ્પિટલ ખસેડાયા