હિંમતનગર નજીક આવેલા દેરોલ ગામની સીમમાં થોડા દિવસો પૂર્વે એક્ટિવા મોપેડ પર પસાર થઈ રહેલા જગદીશભાઈ પ્રજાપતિ નામના આધેડ પર અજાણ્યા શખ્સોએ હુમલો કરી, તેમની પાસેથી મોબાઈલ ફોન અને કિંમતી સામાનની લૂંટ ચલાવી હતી. આ હુમલામાં જગદીશભાઈ ગંભીર રીતે ઘવાતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નીપજ્યું હતું.
હિંમતનગરમાં હનીટ્રેપ ગેંગનો પર્દાફાશ
આ બનાવ અંગે પોલીસે સાપરાધ મનુષ્યવધ અને લૂંટનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જિલ્લા પોલીસ વડાની સૂચનાથી સાબરકાંઠા LCBની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને માનવ સ્ત્રોતોના આધારે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતાં એક ચોંકાવનારી હનીટ્રેપ ગેંગનો પર્દાફાશ થયો હતો.
હનીટ્રેપ અને બ્લેકમેઇલિંગની રફ મોડસ ઓપરેન્ડી
LCB ની તપાસમાં સામે આવ્યું કે, આ ટોળકી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર યુવતીઓના નામે ખોટા એકાઉન્ટ બનાવી પુરુષો સાથે મિત્રતા કેળવતી હતી. ત્યારબાદ પુરુષોને પ્રેમજાળમાં ફસાવી હોટલ અથવા અવાવરૂ જગ્યાઓએ મળવા બોલાવતા હતા.જ્યારે પુરુષ નિર્ધારિત સ્થળે પહોંચે ત્યારે ગેંગના અન્ય સભ્યો અચાનક ત્રાટકીને માર મારી, તેમની વિરૂદ્ધ દુષ્કર્મ કે પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપીને બ્લેકમેઇલ કરતા હતા. પોલીસ કેસના ડરથી ભોગ બનનાર પાસેથી આ ટોળકી મોટી રકમનો 'તોડ' કરી નાણાં પડાવી લેતી હતી. દેરોલ ખાતે જગદીશભાઈ પણ આ જ રીતે આ ગેંગનો શિકાર બન્યા હતા અને પ્રતિકાર કરતાં તેમના પર જીવલેણ હુમલો કરાયો હતો.
હનીટ્રેપ અને લૂંટ ટોળકીના આરોપીઓની ધરપકડ
સાબરકાંઠા LCB એ હિંમતપૂર્વક ઓપરેશન પાર પાડીને આ હનીટ્રેપ અને લૂંટ ટોળકીના મુખ્ય સૂત્રધાર સહિત કુલ 10 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસ ટીમે આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલી 2 કાર (ચાર-વ્હીલર) અને 14 નંગ કિંમતી મોબાઈલ ફોન મળીને કુલ રૂ. 15,85,000/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ હાલ તમામ આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી રહી છે. આ ટોળકીએ ભૂતકાળમાં ઉત્તર ગુજરાતના અન્ય કેટલા લોકોને હનીટ્રેપનો શિકાર બનાવ્યા છે તે દિશામાં પણ સઘન પૂછપરછ ચાલુ છે.
આ પણ વાંચો: Amreli: લાઠીની જમકુડી નદીમાં નવા નીર, 10 કિમીમાં જળસંગ્રહથી 5 ગામોને સિંચાઈનો લાભ