સાબરકાંઠા જિલ્લામાં એક જીપ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. દેલવાડાથી પોશીના માર્ગ પર આવેલા ઘાટ પાસે પેસેન્જરો ભરીને જઈ રહેલી એક જીપ અચાનક પલટી મારી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, જીપ પલટી ખાતા જ અંદર બેઠેલા મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી.

બે લોકોના ઘટના સ્થળે જ મોત

આ ગમખ્વાર દુર્ઘટનામાં જીપમાં સવાર એક મહિલા અને એક પુરુષનું ઘટના સ્થળે જ ગંભીર ઈજાઓ થવાના કારણે મોત નીપજ્યું હતું. જ્યારે જીપમાં સવાર અન્ય 9 થી વધુ મુસાફરોને નાની-મોટી અને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત પગલે આસપાસના સ્થાનિક લોકો બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા.

ગંભીર ઈજાગ્રસ્તોને હિંમતનગર સિવિલ ખસેડાયા

ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે પોશીના સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ ઈજાગ્રસ્તો પૈકી બે લોકોની તબિયત વધુ નાજુક જણાતા, તેમને વધુ સઘન સારવાર અને ઓબ્ઝર્વેશન માટે તાત્કાલિક હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે.


આ પણ વાંચો - Sabarkanthaના પોળો ફોરેસ્ટમાં નદીમાં નાહવા પડેલા અરવલ્લીના બે યુવકોના ડૂબી જવાથી મોત