સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના સાકરોડિયા ગામમાં ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડની ગંભીર બેદરકારી સામે આવી છે. ગામના એક વીજ કંપનીના ગ્રાહકે પોતાના ઘરની છત પર છેલ્લા 2 વર્ષથી સોલાર સિસ્ટમ લગાવેલી છે. આ સોલાર પેનલમાંથી દર મહિને અંદાજે 250 થી 500 યુનિટ વીજળીનું ઉત્પાદન થાય છે. નવાઈની વાત એ છે કે, આટલું વિપુલ પ્રમાણમાં વીજ ઉત્પાદન થવા છતાં અચાનક ગ્રાહકને UGVCL તરફથી રૂ. 14,718 નું બિલ ફટકારવામાં આવતા ગ્રાહક ચોંકી ઉઠ્યા હતા.

નવા ડિજિટલ મીટરની કામગીરી પર ઉઠ્યા સવાલો
અગાઉ સોલારમાંથી ઉત્પન્ન થતી વધારાની વીજળી બદલ UGVCL ગ્રાહકને સામો વળતરનો લાભ આપતું હતું, પરંતુ તાજેતરમાં ઘરમાં નવું ડિજિટલ મીટર બેસાડવામાં આવ્યા બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. નવું મીટર લગાવ્યા પછી વળતર આપવાના બદલે અચાનક 14 હજાર રૂપિયાથી વધુનું બિલ આપી દેવામાં આવતા ગ્રાહક અને વીજ તંત્ર વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી.

મહેસાણા કચેરીમાં નિષ્ફળ રજૂઆત અને સોશિયલ મીડિયાનો સહારો
બિલમાં આવેલી ગંભીર ભૂલ અંગે ગ્રાહકે સ્થાનિક સ્તરે અને મહેસાણા સ્થિત UGVCL ની મુખ્ય કચેરીમાં રૂબરૂ રજૂઆતો કરી હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈ યોગ્ય પ્રતિસાદ કે ઉકેલ ન મળતા અંતે ગ્રાહકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સમગ્ર ઘટના પોસ્ટ કરીને વિરોધ નોંધાવ્યો હતો.

પોસ્ટ બાદ તંત્ર હરકતમાં આવ્યું, બિલ સુધારવાની આપી ખાતરી
સોશિયલ મીડિયા પર આ મુદ્દો વાયરલ થતાં જ UGVCLનું વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. રણાસણ ફીડરના અધિકારીઓએ પોતાની ટેકનિકલ ભૂલ સ્વીકારી લીધી હતી અને ગ્રાહકને બિલ સુધારી આપવાની ખાતરી આપી હતી. જોકે, આ ઘટના બાદ પ્રજામાં એ મોટો પ્રશ્ન ઊભો થયો છે કે, જે સામાન્ય નાગરિકો કે ગ્રામજનો સોશિયલ મીડિયાનો ઉપયોગ નથી કરતા, તેમની આવી ટેકનિકલ ભૂલો અને અન્યાયી બિલિંગની ફરિયાદોનો ઉકેલ ક્યારે અને કેવી રીતે આવશે?

આ પણ વાંચો - Sabarkanthaના સપ્તેશ્વર પાસે સાબરમતી નદીમાં દશામાના વિસર્જન સમયે બે યુવાનો ડૂબ્યા