હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી ભારેથી અતિભારે વરસાદની તાજી આગાહી વચ્ચે સાબરકાંઠા જિલ્લાના ઈડર પંથકમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ઈડર શહેરમાં છેલ્લા એક કલાકથી વરસી રહેલા અવિરત અને મુશળધાર વરસાદના કારણે સમગ્ર શહેર જળબંબાકાર બની ગયું છે.

ડેભોલ નદીમાં અચાનક ઘોડાપૂર 

https://twitter.com/sandeshnews/status/2083517103383183410

ઈડર પંથકમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ 

વરસાદનું જોર એટલું ઘાતક હતું કે ઈડર શહેરના મધ્યમાંથી પસાર થતી ડેભોલ નદીમાં અચાનક જ કાળજાળ ઘોડાપૂર આવી ગયું હતું. મેઘો મહેરબાન થતાં ડેભોલ નદી ગાંડીતૂર બની હતી. આ દરમિયાન નદીના ધસમસતા પાણીના વહેણમાં એક કાર તણાઈ જવાની ઘટના બનતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

ઈડર-વલાસણા હાઇવે પર ઢીંચણસમા પાણી

મુશળધાર વરસાદને કારણે ઈડર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી જ પાણી થઈ ગયું છે. ખાસ કરીને ઈડર-વલાસણા હાઇવે રોડ પર ઢીંચણસમા (ઘૂંટણસમા) વરસાદી પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ભારે મુશ્કેલીમાં મુકાયો છે. રસ્તા પર પાણી ભરાતાં અનેક ટુ-વ્હીલર અને કાર બંધ પડી ગઈ હતી, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

માર્ગ અને મકાન વિભાગની કચેરી જળમગ્ન

વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં શહેરની માર્ગ અને મકાન વિભાગ (R&B) ની કચેરીના કમ્પાઉન્ડમાં પાણી ભરાઈ ગયા છે. કચેરી પરિસર તળાવમાં ફેરવાઈ જતાં કર્મચારીઓ અને કામ અર્થે આવેલા નાગરિકો અટવાઈ પડ્યા હતા. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા અને ડેભોલ નદીના પટથી દૂર રહેવા કડક એડવાઈઝરી જારી કરવામાં આવી છે.

આ પણ વાંચો: Surat: માંગરોળનું કુંવરદા ગામ પૂરમાં ડૂબ્યું, 200થી વધુ ઘરો ગરકાવ, 2 બોટ મારફતે મોટા પાયે રેસ્ક્યૂ ઓપરેશન