ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે આવેલા યુનિયન જીનમાંથી ખેડૂતોને આપવામાં આવતા ખાતરના વિતરણ દરમિયાન નકલી કૂપનો રજૂ કરીને ખાતરનો જથ્થો પચાવી પાડવાનું મોટું કૌભાંડ સામે આવ્યું હતું. ખાતર વિતરણ દરમિયાન શંકાસ્પદ જણાતાં 15 જેટલી નકલી કૂપનો મળી આવી હતી.

જંબુસર યુનિયન જીન નકલી કૂપન કૌભાંડ

આ સમગ્ર ગેરરીતિ અને ઠગાઈ અંગે સંસ્થાના ચેરમેન જીતેન્દ્ર પટેલે ત્વરિત જંબુસર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને કૌભાંડમાં સંડોવાયેલા મુસ્તકીમ અશરફ અને સફવાન ઈદ્રીસ નામના બે શખ્સોની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ જંબુસર પોલીસે બંને આરોપીઓને અદાલતમાં રજૂ કરીને કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે બંને આરોપીઓના અઢી દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા.

અન્ય કયા લોકોની સંડોવણી છે તે દિશામાં તપાસ 

રિમાન્ડ મુદત દરમિયાન પોલીસે નકલી કૂપનો ક્યાંથી પ્રિન્ટ કરાવવામાં આવી હતી અને તેમાં અન્ય કયા લોકોની સંડોવણી છે તે દિશામાં તપાસ ચલાવી હતી.રિમાન્ડ પૂરા થતાં જંબુસર પોલીસે બંને આરોપી મુસ્તકીમ અને સફવાનને પુનઃ કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાંથી અદાલતે બંનેને સબ જેલ મોકલી આપવાનો હુકમ કર્યો છે.

આ પણ વાંચો: Valsad: તીથલ સાઈબાબા મંદિર પાછળ સગીરા પર સામૂહિક દુષ્કર્મ, ઇન્સ્ટાગ્રામના 3 સગીર મિત્ર ડીટેન