વલસાડ જિલ્લાના પ્રખ્યાત દરિયાકિનારાના વિસ્તાર તીથલ ખાતે સાઈબાબા મંદિરની પાછળ આવેલી અવાવરું ઝાડીઓમાં એક સગીરા પર તેના જ સોશિયલ મીડિયા મિત્રો દ્વારા સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી સાથે ખળભળાટ મચી ગયો છે.

તીથલમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ

પોલીસ તપાસમાં બહાર આવેલા તથ્યો મુજબ, પીડિત સગીરા અને કેસના મુખ્ય સગીર આરોપી વચ્ચે છેલ્લા બે વર્ષથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ ના માધ્યમથી મિત્રતા હતી. આ ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડશિપના દાવે અને વિશ્વાસ પર સગીરા પોતાના મિત્ર સાથે તીથલ ખાતે ફરવા માટે આવી હતી. ફરતા ફરતા આરોપી સગીરાને સાઈબાબા મંદિરની પાછળ આવેલી અવાવરું જગ્યા તરફ લઈ ગયો હતો.અવાવરું જગ્યાએ પહોંચ્યા બાદ મુખ્ય સગીર આરોપીએ તેના અન્ય એક સગીર મિત્રને પણ સ્થળ પર બોલાવી લીધો હતો. આ પછી ત્રણેય સગીર વયના મિત્રોએ સ્થળની એકલતાનો ગેરલાભ ઉઠાવીને સગીરા સાથે વારાફરતી બળજબરીથી સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.

ઝાડીઓમાં 3 મિત્રોએ આચર્યું કુકર્મ

બનાવ બાદ પીડિતાએ આપવીતી જણાવતાં જ વલસાડ સીટી પોલીસે ત્વરિત ધોરણે સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવીને પોક્સો એક્ટ (POCSO) ની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે ઘટનામાં સંડોવાયેલા કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણેય સગીરોને ડીટેન કરી લીધા છે. ડીટેન કરાયેલા સગીરોને બાળ અદાલત સમક્ષ રજૂ કરવા અને આગળની કાનૂની કાર્યવાહી પૂરી કરવા વલસાડ સીટી પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

આ પણ વાંચો: Mehsana: અગોલમાં જુગારધામ પર એલસીબીની રેડ, ભાજપ હોદ્દેદારના પતિ અને પૂર્વ સરપંચો સહિત 21 ઝડપાયા