જામનગરમાં શહેરીજનોના માથે તોળાતું જોખમ ટાળવા માટે જર્જરિત ઇમારતો વિરુદ્ધ ઝુંબેશ તેજ કરવામાં આવી છે. આ કડી હેઠળ જામનગરના ધમધમતા એવા ત્રણ દરવાજા વિસ્તારમાં આવેલી ઐતિહાસિક પરંતુ અત્યંત જર્જરિત બનેલી 'કસ્ટમ હાઉસ' નામની સરકારી બિલ્ડિંગને ડિમોલિશન કરવાની કાર્યવાહી ફરી શરૂ કરાઈ છે. આ બિલ્ડિંગ ગમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિમાં હોવાથી રાહદારીઓ અને સ્થાનિક દુકાનદારો માટે મોટો ખતરો બનેલી હતી.


મજૂરો ઘવાતા રોકાયેલું કામ ચુસ્ત પ્લાનિંગ સાથે શરૂ

ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં જ્યારે આ બિલ્ડિંગને તોડવાનું કામ ચાલી રહ્યું હતું, ત્યારે અચાનક એક મોટો સ્લેબ તૂટી પડતાં ત્યાં કામ કરી રહેલા ૩ મજૂરો ગંભીર રીતે ઘવાયા હતા. આ અકસ્માતને પગલે સ્થાનિક સ્તરે હોબાળો મચતાં તંત્રએ તાત્કાલિક અસરથી ડિમોલિશનની કામગીરી પર રોક લગાવી દીધી હતી અને સુરક્ષા વ્યવસ્થાની પુનઃ સમીક્ષા કરી હતી. તમામ ક્ષતિઓ દૂર કર્યા બાદ, આજે સવારથી જ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ અને ફાયર બ્રિગેડની ટીમો આધુનિક સાધનો તથા જેસીબી (JCB) મશીનો સાથે કસ્ટમ હાઉસ ખાતે ત્રાટકી હતી અને મકાનનો બાકીનો જોખમી હિસ્સો તોડવાની કામગીરી સુરક્ષિત રીતે હાથ ધરી છે.

આગામી દિવસોમાં પણ ડિમોલિશન ચાલુ રહેશે

ઘટનાસ્થળે હાજર ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચોમાસા દરમિયાન ભારે પવન કે વરસાદના કારણે આવી જર્જરિત ઇમારતો તૂટી પડવાની અને જાનમાલનું નુકસાન થવાની સંભાવના ખૂબ વધી જાય છે. આથી પ્રિ-મોન્સૂન (ચોમાસા પૂર્વેની) કામગીરીના ભાગરૂપે જામનગરના અલગ-અલગ વોર્ડમાં સર્વે કરીને આવી અન્ય ભયજનક બિલ્ડિંગો નોટિસ આપીને ડિમોલિશન કરવામાં આવશે. હાલ પૂરતો ત્રણ દરવાજા તરફ જતો ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે અને સમગ્ર કામગીરી પર ડિજિટલ કેમેરા અને વરિષ્ઠ ઇજનેરો દ્વારા સીધી નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Kheda: કપડવંજમાં ભાજપ સદસ્ય મફત ઝાલાના પુત્ર લિંકન ઝાલાને SMC એ દારૂની ખેપ મારતા રંગેહાથ ઝડપ્યો


  • Follow us on: