જામનગર જિલ્લાના ધ્રોલ શહેરમાં પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (PGVCL)ની એક ખૂબ જ ગંભીર અને જીવલેણ બેદરકારી સામે આવી છે. સરકારી નિયમો અને સેફ્ટી ગાઇડલાઇન્સને નેવે મૂકીને વીજ કંપની દ્વારા કામગીરી કરવામાં આવી રહી હોવાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં તંત્રના નબળા વહીવટ અને બેજવાબદાર વલણ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
કોઈપણ સેફ્ટી ગીયર વિના વીજ થાંભલા પર ચડ્યા મજૂરો
પ્રાપ્ત વિગતો અનુસાર, ધ્રોલની સરકારી હોસ્પિટલ નજીક આવેલા મુખ્ય માર્ગ પર વીજ લાઇનના સમારકામની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન વીજ પ્રવાહ ધરાવતા થાંભલા પર મજૂરો કોઈપણ પ્રકારના સેફ્ટી સાધનો જેવા કે હેલ્મેટ, સેફ્ટી બેલ્ટ કે ઇન્સ્યુલેટેડ ગ્લોવ્ઝ વગર જ કામ કરી રહ્યા હતા. આ જોખમી કામગીરીના દ્રશ્યો કેમેરામાં કેદ થતાં સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.
https://www.instagram.com/reel/DaiExVwAF0b/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
કાયમી કર્મચારીઓના બદલે મજૂરો પાસે કરાવાતી જોખમી કામગીરી
આ મામલે સૌથી આશ્ચર્યજનક બાબત એ સામે આવી છે કે, જે કામગીરી PGVCLના તાલીમબદ્ધ અને કાયમી ટેકનિકલ કર્મચારીઓએ કરવાની હોય છે, તેના બદલે અકુશળ મજૂરો પાસે કરાવવામાં આવી રહી છે. કોઈ પણ પ્રકારની તકનીકી સમજ કે સુરક્ષા સાધનો વિના મજૂરોને સીધા જ હાઈ ટેન્શન લાઈન પર ચડાવી દેવામાં આવ્યા છે, જેને લઈને તંત્રની નીતિ સામે શંકાઓ ઉપજી રહી છે.

અધિકારીઓના કાગળ પરના દાવા અને ગ્રાઉન્ડ રિયાલિટીમાં મોટો તફાવત
બીજી તરફ, આ સમગ્ર મામલે જ્યારે ધ્રોલ PGVCLના અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેઓએ રાબેતા મુજબના બચાવના દાવા કર્યા હતા. અધિકારીઓનું કહેવું છે કે કંપની દ્વારા દરેક કર્મચારી અને કોન્ટ્રાક્ટના માણસોને પૂરતા પ્રમાણમાં સેફ્ટી કીટ આપવામાં આવે છે અને દર અઠવાડિયે ખાસ તાલીમ પણ અપાય છે. જોકે, હોસ્પિટલ નજીક સામે આવેલા દ્રશ્યો અધિકારીઓના આ તમામ દાવાઓને સરેઆમ પોકળ સાબિત કરી રહ્યા છે.

જો કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદારી કોની? જનતામાં આક્રોશ
આ બેદરકારીને પગલે હવે સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે, જો કામગીરી દરમિયાન અચાનક વીજ કરંટ લાગે કે મજૂર ઉપરથી નીચે પટકાય અને કોઈ અઘટિત ઘટના ઘટે, તો તેનો જવાબદાર કોણ રહેશે? શું PGVCL તંત્ર કોઈ મજૂરનો જીવ ગયા પછી જ જાગશે? સ્થાનિક નાગરિકો દ્વારા આ મામલે ઉચ્ચ સ્તરે તપાસ કરીને બેદરકાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવાની માગ કરવામાં આવી છે.
આ પણ વાંચો - Gujarat Weather Update: 5 સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં સાર્વત્રિક અને અતિભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ?