આગામી પવિત્ર તહેવારો અને રજાઓના દિવસોમાં શહેરીજનોને શુદ્ધ અને આરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો મળી રહે તે હેતુથી જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા ખાસ ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. મનપાના ફૂડ ઓફિસર અને ટીમ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા હોટલો, રેસ્ટોરન્ટ્સ, ફરસાણની દુકાનો, નોન-વેજ હોટલો તેમજ માર્ગો પર ઉભી રહેતી નાસ્તાની લારીઓ પર અચાનક દરોડા પાડવામાં આવ્યા હતા.

જામનગર ફૂડ વિભાગ દ્વારા ખાસ ચેકિંગ 

ટીમે એક જ દિવસમાં 38 જેટલી વિવિધ પેઢીઓ અને ખાદ્યપદાર્થોનું વેચાણ કરતાં સ્થળોની સઘન ચકાસણી હાથ ધરી હતી, જેના કારણે અપ્રમાણિક વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.ફૂડ વિભાગના દરોડા દરમિયાન અનેક વેપારીઓ આરોગ્યના નિયમોનું ઉલ્લંઘન કરતા ઝડપાયા હતા. ટીમે સ્થળ પરથી 171 કિલોગ્રામ વાસી અને અખાદ્ય ખોરાક/નાસ્તો, 76 જેટલા એક્સપાયરી ડેટ થઈ ચૂકેલા પેકેટ્સ તેમજ ખાદ્યચીજો પીરસવા માટે વાપરવામાં આવતી ૫૩ કિલો પ્રિન્ટેડ પસ્તી કબ્જે કરી હતી. આ તમામ આરોગ્ય માટે હાનિકારક સામગ્રીનો મનપાના ટ્રેક્ટર મારફતે સ્થળ પર જ વિધિવત નાશ કરવામાં આવ્યો હતો.

આઈસ ફેક્ટરીઓ પર સચેકિંગ

તહેવારો દરમિયાન ઠંડા પીણા અને બરફનો વપરાશ વધતો હોવાથી ફૂડ શાખાએ શહેરની 9 આઈસ ફેક્ટરીઓમાં પણ તપાસ હાથ ધરી હતી. ત્યાંથી બરફ બનાવવા માટે વપરાતા પાણીના નમૂના લેવામાં આવ્યા હતા, જેમાંથી ૨ પેઢીના પાણીના સેમ્પલ વધુ પૃથક્કરણ અને બેક્ટેરિયોલોજિકલ ટેસ્ટિંગ માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. મનપાના ફૂડ વિભાગ દ્વારા તમામ વેપારીઓને સ્વચ્છતા જાળવવા અને તાજી સામગ્રીનો જ ઉપયોગ કરવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે, તેમજ નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તાકીદ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Gandhinagar: TAT-S 2026 મુખ્ય પરીક્ષાની તારીખો જાહેર, 20 સપ્ટેમ્બરે મુખ્ય પરીક્ષા, 7 સપ્ટેમ્બરથી ડાઉનલોડ થશે હોલ ટિકિટ