જામનગર શહેરના અતિ વ્યસ્ત ગણાતા ગુરુદ્વારા સર્કલ નજીક આવેલા રહેણાંક વિસ્તારમાં આજે અચાનક એક ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. ગુરુદ્વારા સર્કલ પાસે આવેલી આર.ટી. જાડેજા એસ્ટેટ સોસાયટીમાં એક જૂના મકાનની બાલ્કનીનો મોટો સ્લેબ એકાએક કડડભૂસ થઈને ધરાશાયી થઈ ગયો હતો. બાલ્કનીનો આ ભાગ તૂટી પડતાં પહેલા માળે રહેલી એક મહિલા કાટમાળ નીચે દબાઈ ગઈ હતી. અચાનક બનેલી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોએ તાત્કાલિક ફાયર કંટ્રોલ રૂમને જાણ કરતાં જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમે તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી મહિલાનો આબાદ બચાવ કર્યો હતો.
કાટમાળ હટાવી મહિલાને બહાર કઢાઈ
આર.ટી. જાડેજા એસ્ટેટમાં આવેલું આ મકાન વર્ષો જૂનું અને જર્જરિત હાલતમાં હતું. કોઈ અગમ્ય કારણોસર કે નબળા બાંધકામના લીધે પહેલા માળે આવેલી બાલ્કનીનો ભાગ અચાનક જમીનદોસ્ત થઈ ગયો હતો.દુર્ઘટના સમયે બાલ્કની નજીક હાજર મહિલા કાટમાળ, પથ્થર અને સિમેન્ટના સ્લેબ નીચે દબાઈ જતાં ગંભીર રીતે ફસાઈ ગઈ હતી. મહિલાની ચીચીયારીઓ સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા.
