જામનગર જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના નવા નિયમો સામે આકરા પાણીએ વિરોધ શરૂ કરવામાં આવ્યો છે. આરોગ્ય કર્મચારીઓએ કચેરી ખાતે એકત્ર થઈને વિવાદાસ્પદ પરિપત્રની નકલો ફાડીને પોતાનો રોષ ઠાલવ્યો હતો. કર્મચારીઓનો મુખ્ય વિરોધ પોતાના અંગત અને ખાનગી મોબાઈલ ફોનમાં 'ટેકો' (TECHO) એપ ડાઉનલોડ કરીને સરકારી કામગીરી કરવા સામે છે.

ટેકો એપ અને સર્વેલન્સ ભથ્થા કાપ સામે વિરોધ!

મંડળે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, તેઓ કામગીરીનો વિરોધ નથી કરી રહ્યા પરંતુ કર્મચારીઓ અને દર્દીઓની પ્રાઇવેસી માટે અવાજ ઉઠાવી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ઘરે-ઘરે જઈને દર્દીઓની સારવાર વખતે ફોટા અને સેલ્ફી લેવાની સૂચના અયોગ્ય છે, જેનાથી ગ્રામીણ દર્દીઓ અને મહિલા કર્મચારીઓની પ્રાઇવેસીનો ભંગ થાય છે. આ કામગીરી માટે સરકારે કર્મચારીઓને સત્તાવાર સરકારી મોબાઈલ આપવા જોઈએ.એપ અને પ્રાઇવેસી ઉપરાંત આરોગ્ય કર્મચારીઓને મળતા રૂ. 4,000 ના સર્વેલન્સ ભથ્થામાં કરવામાં આવેલા કાપ સામે પણ ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. કર્મચારીઓએ આ ભથ્થું પૂર્વવત અને યથાવત રાખવાની ઉગ્ર માંગ કરી છે.

8મીએ PM અને 10મીએ CM ને રજૂઆત કરાશે

રાજ્યના તમામ 34 જિલ્લાના આરોગ્ય મંડળના હોદ્દેદારો કચ્છ ખાતે એકઠા થઈને પરિપત્રની હોળી કરશે અને મહાધરણાં યોજશે. ગુજરાત પ્રવાસે આવી રહેલા વડાપ્રધાનને નવસારી અને વડોદરા ખાતે આવેદનપત્ર પાઠવી સમસ્યાથી માહિતગાર કરાશે.રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ ગાંધીનગર ખાતે રૂબરૂ રજૂઆત કરવામાં આવશે. જો ઉકેલ નહીં આવે તો આંદોલન વધુ તેજ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

આ પણ વાંચો: Dahod: ભથવાડા ટોલનાકા પર કર્મચારી પર કાર ચઢાવનાર 2 શખ્સો પીપલોદ પોલીસના શિકંજામાં