જામનગરમાં તહેવારો વચ્ચે ફૂડ વિભાગે મોટી કાર્યવાહી કરીને બનાવટી અને શંકાસ્પદ ભેળસેળયુક્ત ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે. શહેરના ગ્રેઈન માર્કેટમાં આવેલા કાસ ટ્રેડર્સના ગોડાઉનમાંથી 324 કિલો શંકાસ્પદ ઘી મળી આવ્યું હતું. આ સાથે વનસ્પતિ તેલ, પામ ઓઈલ, કલર અને ફ્લેવર સહિતનો સામાન પણ જપ્ત કરવામાં આવ્યો છે.
ગ્રેઈન માર્કેટના ગોડાઉનમાં દરોડા
ફૂડ વિભાગની ટીમે ગ્રેઈન માર્કેટમાં ઘીનો વેપાર કરતા કાસ ટ્રેડર્સના ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ગોડાઉનમાંથી 324 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો. ફૂડ વિભાગે અંદાજે રૂ.1.13 લાખની કિંમતનો ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે.
વનસ્પતિ તેલ અને પામ ઓઈલ પણ મળ્યાં
ગોડાઉનમાં તપાસ દરમિયાન વનસ્પતિ તેલના 4 ભરેલા ડબ્બા અને પામ ઓઈલના 3.5 ભરેલા ડબ્બા મળી આવ્યા હતા. આ ઉપરાંત કલર અને ફ્લેવરનો આશરે 5 લીટર જથ્થો પણ મળી આવતા ફૂડ વિભાગે શંકાસ્પદ સામાન જપ્ત કર્યો હતો.
વેપારી સામે તપાસ શરૂ
કાસ ટ્રેડર્સના વેપારી મહંમદ હુસેન કાસ સામે ફૂડ વિભાગે તપાસ શરૂ કરી છે. જપ્ત કરાયેલા ઘી અને અન્ય સામાન અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તપાસના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
વેપારીઓમાં ફફડાટ
તહેવારોના સમયમાં ખાદ્યપદાર્થોની માંગ વધતી હોય છે. ત્યારે જામનગરમાં શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો ઝડપાતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. ફૂડ વિભાગની આ કાર્યવાહીથી ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થોના વેચાણ સામે ચકાસણી વધુ કડક બને તેવી શક્યતા છે.
આ પણ વાંચો : Shivpuri: શ્રીકૃષ્ણના સ્વરૂપ પર ટિપ્પણી બદલ ધીરેન્દ્ર શાસ્ત્રીને કાનૂની નોટિસ, 15 દિવસમાં માફીની માંગ