બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના સ્વરૂપ અંગે કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ મોટો વિવાદ ઊભો થયો છે. અલ્હાબાદ હાઇકોર્ટની લખનૌ બેંચના વકીલ કૃષ્ણ કન્હૈયા પાલે માનહાનિ અને ધાર્મિક લાગણી દુભાવવા બદલ તેમને કાનૂની નોટિસ મોકલી છે. આ નોટિસમાં કથાવાચક સામે 15 દિવસમાં બિનશરતી જાહેર માફી માંગવા તાકીદ કરાઈ છે.
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું
મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના કરૈરા ખાતે 29 ઓક્ટોબરના રોજ આયોજિત શ્રીરામ કથાના જાહેર મંચ પરથી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રીકૃષ્ણના સ્વરૂપની તુલના કરતી વખતે અત્યંત અમર્યાદિત તેમજ ઉપહાસાત્મક ભાષાનો પ્રયોગ કર્યો હતો.
શ્રીકૃષ્ણ ત્રણ જગ્યાએથી વાંકા છે
કથાવાચકે મંચ પરથી શ્રોતાઓને સંબોધતા કહ્યું હતું કે, અમારા રામજી તો સીધા ઊભા રહે છે, પરંતુ તમારા વાળા એટલે કે શ્રીકૃષ્ણ ત્રણ જગ્યાએથી વાંકા છે. તેમણે આગળ ઉમેર્યું હતું કે પગ ઉપર પગ અને કમર લચકાવીને ઊભા રહે છે, તેમજ તમારા વાળાનું નામ પણ વાંકું છે અને તેઓ ચાલે પણ વાંકા છે. આ પ્રકારના બિનજરૂરી નિવેદનને કારણે સમગ્ર સમાજમાં ધાર્મિક લાગણીઓને ઊંડો આઘાત પહોંચ્યો છે.
ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું, "તેઓ કમર હલાવી શકે છે, તેમની ખોપરી પણ વાંકી છે."
પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કથામાં ઉપસ્થિત ભક્તોને કહ્યું, "તમારા ઠાકુરજીનો એક પણ ફોટો જુઓ. એક પણ ફોટો. તેઓ આમ, તેમ બેસે છે. તમારો, જ્યારે તેઓ ઉભા હોય છે ત્યારે પણ, ત્રણ જગ્યાએ વાંકો છે. પગ ઉપર પગ, તેમની કમર લચકાવે છે, તેમની ખોપરી વાંકી ચૂકી કરે છે પછી તેમણે તેમની સરખામણી ભગવાન રામ સાથે કરતા કહ્યું, " આપણા વાળા તો એકદમ સીધા ઉભા છે. આપણા વાળાનું નામ પણ સીધું છે. આપણા વાળાનું ચાલવાનું પણ સીધું અને આપણા વાળા દેખાય છે પણ સીધા...તમારા વાળાનું નામ વાંકુ, ચાલે છે પણ વાંકા અને ઉભા પણ વાંકા રહે છે...ભગવાન રામ અને કૃષ્ણની સરખામણી કરતા, પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ વાંસળી વગાડવા અને ધનુષ્ય ચલાવવાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, "વાંસળી વગાડવી એ પણ એક રમત છે, પણ ધનુષ્ય ચલાવવું એ કોઈ રમત નથી." આ પછી, તેમણે કથામાં બેઠેલા ભક્તોને કહ્યું, " જેટલા પણ ઠાકુરજી વાળા બેઠા છે, આજે તો તમારા ઠાકુરજીનો પણ જયજયકાર થઇ રહ્યો છે" પછી, વાંસળી વગાડતા કલાકાર તરફ ઈશારો કરીને તેમણે કહ્યું, "સાંભળો, તમારા ઠાકુરજી શું કરે છે? વાંસળી વગાડે? તો વાંસળી કોઈ મોટી વાત થોડી છે."
કાનૂની નોટિસમાં આ બાબતને અત્યંત ગંભીર ગણાવવામાં આવી
અલ્હાબાદ હાઇકોર્ટની લખનૌ બેંચના વકીલ કૃષ્ણ કન્હૈયા પાલ દ્વારા મોકલવામાં આવેલી કાનૂની નોટિસમાં આ બાબતને અત્યંત ગંભીર ગણાવવામાં આવી છે. વકીલે જણાવ્યું કે ભગવાન શ્રીકૃષ્ણના અલૌકિક ત્રિભંગી સ્વરૂપ અને તેમના પાવન નામને વાંકું તેમજ ખતરનાક ગણાવવું એ માત્ર આરાધ્ય દેવનું અપમાન નથી, પરંતુ જે લોકોનું નામ શ્રીકૃષ્ણ પર છે તેમની વ્યક્તિગત પ્રતિષ્ઠા પર પણ હુમલો છે.
ભક્તોની ધાર્મિક આસ્થા ખંડિત થઈ
આ બેજવાબદાર નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા તથા પ્રમુખ માધ્યમોમાં વ્યાપકપણે પ્રસારિત થયો છે, જેનાથી ભક્તોની ધાર્મિક આસ્થા ખંડિત થઈ છે. કાનૂની દ્રષ્ટિએ આ કૃત્ય બીએનએસ 2023 ની કલમ 299 અને કલમ 356 હેઠળ ગંભીર અને દંડનીય ગુના સમાન છે, જેના કારણે કથાવાચક સામે કાયદેસરના પગલાં ભરવાની તૈયારી કરવામાં આવી છે.
15 દિવસની અંદર જાહેરમાં બિનશરતી માફી માગો
નોટિસમાં જણાવાયું છે કે ધીરેન્દ્ર શાસ્ત્રીએ આ નોટિસ મળ્યાના 15 દિવસની અંદર જાહેરમાં બિનશરતી માફી માંગવી પડશે અને ભવિષ્યમાં આવી ટિપ્પણી ન કરવા અંગે લેખિત બાંહેધરી આપવી પડશે. જો તેઓ આ સમયમર્યાદામાં માફી નહીં માંગે તો સક્ષમ અદાલતમાં તેમની સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવશે.
નિવેદનને માત્ર 'વિનોદ' અથવા 'ભાવ' ગણાવી ક્ષમા માંગી
જોકે અહેવાલો મુજબ તેમણે બાદમાં વીડિયો જારી કરીને આ નિવેદનને માત્ર 'વિનોદ' અથવા 'ભાવ' ગણાવી ક્ષમા માંગી હતી. પરંતુ વકીલનું કહેવું છે કે લાખો લોકો તેમની વાણીનું અનુસરણ કરતા હોવાથી આવા ગંભીર કૃત્યથી ભક્તોને થયેલી માનસિક અને આધ્યાત્મિક ઠેસ સાદા અનૌપચારિક ખુલાસાથી મટી શકે નહીં, તેથી તેમણે સંપૂર્ણપણે વિધિવત માફી માંગવી પડશે.
આ પણ વાંચો : Mumbai: ભવિષ્યમાં કોઈ વિરોધ પ્રદર્શનમાં નહીં જોડાઉ, ઇમરાન ખાનની કોર્ટમાં ખાતરી