જો તમે જામનગરમાં રહો છો અને ઓનલાઇન ફૂડ મંગાવવાના શોખીન છો, તો આ સમાચાર તમારા માટે આંખ ઉઘાડનારા સાબિત થઈ શકે છે. જામનગરમાં ઓનલાઇન વેજ ભોજનના ઓર્ડરમાં નોનવેજ મિક્સ થઈને આવી જવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેને પગલે શાકાહારી નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 


લેમન ટી' નામની હોટલમાંથી એક ગ્રાહકે પાસ્તા મંગાવ્યા

દિગ્જામ સર્કલ પાસે આવેલી પ્રખ્યાત 'લેમન ટી' નામની હોટલમાંથી એક ગ્રાહકે ઓનલાઇન ફૂડ ડિલિવરી એપ્લિકેશન ઝોમેટો મારફતે શુદ્ધ શાકાહારી વેજ પાસ્તાનો ઓર્ડર આપ્યો હતો. 

નોનવેજના ટુકડા મળી આવ્યા

જો કે, ભોજન પાર્સલ ઘરે આવ્યા બાદ જ્યારે ગ્રાહકે ખાવાનું શરૂ કર્યું ત્યારે પાસ્તાની અંદરથી નોનવેજના ટુકડા મળી આવતા ગ્રાહક સ્તબ્ધ થઈ ગયો હતો.

હોટલ સંચાલકો વિરુદ્ધ લેખિતમાં કડક ફરિયાદ નોંધાવી 

વેજ ભોજનમાંથી અચાનક માસના ટુકડા નીકળતા ગ્રાહકની ધાર્મિક લાગણી ખૂબ જ ગંભીર રીતે દુભાઈ હતી. આ ગંભીર બેદરકારી સામે ગ્રાહકે તાત્કાલિક જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાનો સંપર્ક કર્યો હતો અને હોટલ સંચાલકો વિરુદ્ધ લેખિતમાં કડક ફરિયાદ નોંધાવી હતી. ગ્રાહકે આક્રોશ સાથે માંગ કરી હતી કે આવી બેદરકારી દાખવતી હોટલો સામે તંત્ર દ્વારા કડક અને દાખલારૂપ પગલાં લેવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ અન્ય નાગરિકના ધર્મ અને લાગણી સાથે ચેડાં ન થાય.

 હોટલ લેમન ટી પર તપાસ 

ગ્રાહકની ફરિયાદને આધારે જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા એક્શન મોડમાં આવી હતી અને તુરંત જ હોટલ લેમન ટી પર તપાસ હાથ ધરી હતી. ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા હોટલના કિચન અને સ્વચ્છતાના ધોરણોની ચકાસણી કરવામાં આવી હતી. 

10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો 

આ મામલે પ્રાથમિક ક્ષતિ બદલ તંત્ર દ્વારા બેદરકાર હોટલ સંચાલકોને રૂપિયા 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સાથે જ ફૂડ વિભાગે હોટલને કડક તાકીદ કરી છે કે ભવિષ્યમાં જો શાકાહારી ભોજનમાં નોનવેજ મિક્સ થવાની આવી કોઈ પણ પ્રકારની બેદરકારી ફરી સામે આવશે, તો હોટલનું લાયસન્સ રદ કરીને તેને સીલ કરી દેવામાં આવશે.


આ પણ વાંચો----    Sandesh Digital Explainer : યુરોપના તમામ દેશોમાં ‘હીટ ડોમ’નો કાળો કેર, AC ખરીદવા પડાપડી, જાણો આટલી બધી ભીષણ ગરમીનું અસલી કારણ

  • Follow us on: