જામનગર શહેરમાં ચોમાસા દરમિયાન સામાન્યથી ભારે વરસાદમાં પણ નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ જવાની ફરિયાદો ઉઠતી રહી છે. આ સમસ્યાના મૂળમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે શહેરની આસપાસ આવેલી કુદરતી અને કૃત્રિમ વરસાદી કેનાલો પર સ્થાનિક ભૂમાફિયાઓ અને દબાણકારોએ પાકા બાંધકામો કરી લીધા છે, જેના કારણે પાણીનો નિકાલ થઈ શકતો નથી. આ બાબતને ગંભીરતાથી લઈને જામનગર મહાનગરપાલિકાએ ચોમાસું બેસે તે પહેલા જ યુદ્ધના ધોરણે ઓપરેશન દબાણ હટાવ શરૂ કર્યું છે.

નાગનાથ ગેટ વિસ્તારમાં દબાણ હટાવાયા

આજે સવારથી જ મનપાની એસ્ટેટ શાખા, ટીપીઓ (TPO) ની ટીમ અને સેનિટેશન વિભાગના ઉચ્ચ અધિકારીઓનો મોટો કાફલો જેસીબી મશીનો સાથે નાગનાથ ગેટ વિસ્તારમાં ત્રાટક્યો હતો. નાગનાથ ગેટ અને સ્થાનિક સ્મશાન ગૃહની નજીકથી પસાર થતી વરસાદી કેનાલની બિલકુલ બાજુમાં અને કેનાલની ઉપર જ ગેરકાયદેસર રીતે બાંધકામો ખડકી દેવામાં આવ્યા હતા, જે મનપાના ચોપડે સરકારી જમીન પરનું દબાણ સાબિત થયું હતું.

બુલડોઝર એક્શન અને ઢોર વાડો જમીનદોસ્ત

મનપાના એસ્ટેટ વિભાગે કાયદેસરની નોટિસની અવધિ પૂર્ણ થતાં જ કડક વલણ અપનાવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન કેનાલને નુકસાન પહોંચાડતા અને વહેણ રોકતા ૨ મોટા કાચા-પાકા મકાનોને જેસીબીની મદદથી જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત, જાહેર માર્ગ અને કેનાલની જમીન પર ગેરકાયદેસર રીતે ચાલતા એક મોટા ઢોર વાડાને પણ તોડી પાડી સમગ્ર જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. પ્રાથમિક અંદાજ મુજબ, તંત્રએ આશરે ૧૮૦૦ થી ૨૦૦૦ ફૂટ જેટલી મોંઘીદાટ સરકારી જમીન ગેરકાયદે કબ્જામાંથી મુક્ત કરાવી છે.

આ પણ વાંચો: Una: ગ્રામ્ય વિસ્તારોમાં 8 ટ્રાન્સફોર્મરમાંથી 524 લિટર કિંમતી ઓઈલની ચોરી, પોલીસે શોધખોળ તેજ કરી