લીંબડી હાઈવે પર જામનગર પોલીસનું ફાયરિંગ થયું હોવાની ચકચારી ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. મધ્યપ્રદેશથી ઝડપીને જામનગર લાવવામાં આવી રહેલા આરોપીએ પોલીસ કર્મીનું હથિયાર છીનવી પોલીસ પર જ ફાયરિંગ કરતા, LCBના PSIએ સ્વબચાવમાં વળતું ફાયરિંગ કર્યું હતું, જેમાં આરોપીના પગમાં ગોળી વાગી છે.

આરોપીએ પોલીસ પર 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું

પ્રાપ્ત વિગતો અનુસાર, જામનગર સી ડિવિઝનના PSI એમ.એમ. કુંભાવાડીયા સહિતની ટીમ આરોપીને મધ્યપ્રદેશથી અટકાયત કરીને જામનગર લઈ જઈ રહી હતી, તે દરમિયાન હાઈવે પર ગોળીબારની આ ઘટના બની હતી.પોલીસ કાફલો જ્યારે લીંબડી નજીક રામાધણી હોટેલ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો.આરોપીએ પોલીસ કર્મીનું હથિયાર (રિવોલ્વર) ઝૂંટવી લઈને પોલીસ ઉપર જ બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા.પોલીસ ટીમ પર જીવલેણ હુમલો થતાં LCBના PSIએ સ્વબચાવમાં વળતું ફાયરિંગ કર્યું હતું, જેમાં આરોપીના પગમાં ગોળી વાગી હતી.

ઈજાગ્રસ્ત આરોપીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો

પોલીસ ફાયરિંગમાં પગમાં ગોળી વાગવાથી ઈજાગ્રસ્ત થયેલા આરોપીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. હાઈવે પર પોલીસ અને આરોપી વચ્ચે થયેલા ગોળીબારના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: Ahmedabad: આજે રાજ્યભરમાં GSETની પરીક્ષા; 49 હજારથી વધુ ઉમેદવારો આપશે કસોટી, 3 નવા વિષયો ઉમેરાયા