જામનગર નજીક આવેલા ઔદ્યોગિક વિસ્તાર મોટી ખાવડીમાંથી વહેલી સવારે એક મોટી દુર્ઘટના સામે આવી છે. મોટી ખાવડી રેલવે સ્ટેશન નજીક શ્રમિકોના રહેઠાણ માટે બનાવાયેલા કામચલાઉ રૂમોમાં અચાનક વિકરાળ આગ ફાટી નીકળતાં સમગ્ર પંથકમાં અફરાતફરી અને નાસભાગનો માહોલ સર્જાયો હતો. જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં ૬ થી ૭ જેટલા રૂમ સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયા છે.
મોટી ખાવડીમાં વહેલી સવારે આગ ભભૂકી
પ્રાપ્ત વિગતો અનુસાર, મોટી ખાવડી રેલવે સ્ટેશન પાસે બહારથી આવેલા પરપ્રાંતીય અને સ્થાનિક શ્રમિક પરિવારો માટે કાચા-પાકા રૂમો બનાવવામાં આવ્યા હતા. વહેલી સવારે જ્યારે મોટાભાગના લોકો ઊંઘમાં હતા અથવા દૈનિક કામકાજની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે અચાનક એક રૂમમાંથી ધુમાડા સાથે આગની જ્વાળાઓ નીકળવા લાગી હતી. પ્લાસ્ટિક, લાકડા અને કાચા બાંધકામના કારણે આગે પળવારમાં વિકરાળ સ્વરૂપ પકડ્યું હતું અને આસપાસના અન્ય રૂમોને પણ પોતાની લપેટમાં લઈ લીધા હતા. એક પછી એક 6 થી 7 રૂમ આગની ચપેટમાં આવી જતાં અંદર રહેલો તમામ ઘરવખરીનો સામાન, કપડાં અને અનાજ બળીને ખાખ થઈ ગયા હતા.
