જામનગર પોલીસબેડામાં ભારે ખળભળાટ અને ફફડાટ મચાવી દે તેવી એક મોટી શિસ્તભંગની કાર્યવાહી સામે આવી છે. દોઢ મહિના પૂર્વે જામનગર નજીક આવેલા નાઘેડી ગામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા પાડવામાં આવેલા એક કરોડ રૂપિયાના વિદેશી દારૂના દરોડાના પ્રકરણમાં સ્થાનિક પોલીસ કર્મચારીની શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે. રેન્જ આઈ.જી. (IG) નિર્લિપ્ત રાયની ટીમ દ્વારા સ્થાનિક પોલીસની સંડોવણી અંગે હાથ ધરાયેલી ઊંડાણપૂર્વકની તપાસમાં ચોંકાવનારા પુરાવા મળતાં હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ જાડેજાની રાજકોટ ગ્રામ્ય ખાતે બદલી કરીને તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
એક કરોડના દારૂ પર SMCનો દરોડો
દોઢ મહિના અગાઉ જામનગર નજીક નાઘેડી ગામની સીમમાં કુખ્યાત બુટલેગર રામ મોઢવાડિયાના દારૂના નેટવર્ક પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા મોટો દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં અંદાજે એક કરોડ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. આટલા મોટા પાયે દારૂનો જથ્થો સ્થાનિક પોલીસની જાણ બહાર કેવી રીતે ઉતર્યો તે દિશામાં આઈ.જી. નિર્લિપ્ત રાયની ટીમ દ્વારા સ્થાનિક પોલીસની ભૂમિકા અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી.
