વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો ગુજરાત પ્રવાસ સફળતાપૂર્વક પૂર્ણ કરીને આજે અમદાવાદ એરપોર્ટ પરથી દિલ્હી જવા રવાના થયા છે. જોકે, વડાપ્રધાનના આ પ્રવાસની પૂર્ણાહુતિ સાથે જ ગુજરાતના રાજકીય વર્તુળોમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. એક તરફ દિલ્હી રવાના થતા પહેલાં PM મોદીએ અમદાવાદ એરપોર્ટ પર ભારતીય જનતા પાર્ટી (BJP) ના જૂના અને વરિષ્ઠ નેતાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી, તો બીજી તરફ ગાંધીનગર સ્થિત મંત્રી ભવનમાં પૂર્વ મંત્રી સૌરભ દલાલ (સૌરભ પટેલ) ની અચાનક એન્ટ્રી થતાં સત્તાના ગલિયારામાં અનેક પ્રકારના તર્ક-વિતર્ક અને ચર્ચાઓ તેજ બની છે.
PM મોદી ગુજરાત પ્રવાસ પૂર્ણ કરી દિલ્હી રવાના
ગુજરાતમાં પોતાના નિર્ધારિત કાર્યક્રમો અને બેઠકો પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા અને ત્યાંથી વિશેષ વિમાન મારફતે દિલ્હી જવા રવાના થયા હતા. દિલ્હી જવા રવાના થતા પહેલાં PM મોદીએ અમદાવાદ એરપોર્ટ પર જ ભાજપના જૂના અને અનુભવી નેતાઓ સાથે મુલાકાત અને બેઠક કરી હતી. સંગઠન અને વર્તમાન રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ બેઠકને અત્યંત સૂચક માનવામાં આવી રહી છે.
