આજની યુવા પેઢીમાં સામાન્ય બાબતોમાં સહનશક્તિ ઘટી રહી હોવાનો વધુ એક અત્યંત કરૂણ અને હૃદયદ્રાવક કિસ્સો જૂનાગઢ જિલ્લામાંથી સામે આવ્યો છે. જૂનાગઢના વંથલી તાલુકાના બંધડા ગામે રહેતા 19 વર્ષીય યુવક નિશાંત ટાટમીયાએ પિતાએ જમવા જેવી સામાન્ય બાબતે ઠપકો આપતા માઠું લગાડીને ઝેરી પાવડર પી આપઘાત કરી લીધો છે. યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું કરૂણ મોત નીપજ્યું છે. આશાસ્પદ યુવાન દીકરાના અકાળે અવસાનથી સમગ્ર પરિવારમાં ઘેરો શોક અને અરેરાટી વ્યાપી ગઈ છે.

પિતાએ જમવા બાબતે ઠપકો આપ્યો

પ્રાથમિક વિગતો અનુસાર, વંથલી તાલુકાના બંધડા ગામે રહેતા 19 વર્ષીય નિશાંત ટાટમીયાને તેના પિતાએ જમવા બાબતે ઠપકો આપ્યો હતો. પિતાના આ ઠપકાથી નિશાંતને મનમાં લાગી આવ્યું હતું.આવેશમાં આવીને નિશાંતે ઘરમાં રહેલો ઝેરી પાવડર પી લીધો હતો. ઝેરી અસર થતાં તેની તબિયત લથડવા લાગી હતી.

પરિવારમાં ઘેરો શોક અને અરેરાટી

પરિવારજનોને ઘટનાની જાણ થતાં જ યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, તબીબોના પ્રયાસો છતાં સારવાર દરમિયાન નિશાંતનું કરૂણ મોત નીપજ્યું હતું. જુવાનજોધ દીકરાના મોતથી ટાટમીયા પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર બંધડા ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. બનાવની જાણ થતાં જ વંથલી પોલીસે હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત મોતની નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Vadodara: નવા વર્ષના પ્રારંભે જ ગૃહિણીઓના રસોડાનું બજેટ ખોરવાયું! બરોડા ડેરીએ પણ દૂધના ભાવમાં ₹4 સુધીનો વધારો કર્યો