નવા વર્ષની શરૂઆત સાથે જ સામાન્ય જનતા અને ગૃહિણીઓના રસોડાના બજેટ પર મોંઘવારીનો વધુ એક મોટો ફટકો પડ્યો છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) દ્વારા લેવામાં આવેલા નિર્ણય બાદ, હવે વડોદરા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ એટલે કે બરોડા ડેરી દ્વારા પણ દૂધના વેચાણ ભાવમાં વધારો અમલી બનાવી દેવામાં આવ્યો છે. બરોડા ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ લિટર ₹4 સુધીનો વધારો ઝીંક્યો છે, જેની સીધી અસર વડોદરા શહેર અને જિલ્લાના લાખો ગ્રાહકોના ખિસ્સા પર પડશે.
જાણો બરોડા ડેરીના દૂધના નવા ભાવ
બરોડા ડેરી દ્વારા અમૂલ ગોલ્ડ, શક્તિ, તાજા અને ગાયના દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, જેનું નવું ભાવપત્રક નીચે મુજબ છે.
| દૂધની વેરાયટી (500 મિલી પાઉચ) | જૂનો ભાવ (₹) | નવો ભાવ (₹) | પ્રતિ 500 મિલી વધારો |
| અમૂલ ગોલ્ડ (Amul Gold) | 35 | 37 | + ₹2 (પ્રતિ લિટર ₹4) |
| અમૂલ શક્તિ (Amul Shakti) | 32 | 34 | + ₹2 (પ્રતિ લિટર ₹4) |
| અમૂલ તાજા (Amul Taaza) | 29 | 30 | + ₹1 (પ્રતિ લિટર ₹2) |
ભાવ વધારા પાછળ શું છે કારણ? પશુપાલકોને પ્રતિ કિલો ફેટે ₹870 મળશે
ડેરી સત્તાધીશોના જણાવ્યા મુજબ, છેલ્લા ઘણા સમયથી પશુઆહાર (દાણ) અને લીલા-સૂકા ઘાસચારાના ભાવમાં અસહ્ય વધારો થયો છે, જેના કારણે પશુપાલકો માટે દૂધ ઉત્પાદનનો ખર્ચ વધી ગયો છે. દૂધ ઉત્પાદકોને આર્થિક નુકસાન ન જાય અને તેમને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે બરોડા ડેરીએ દૂધ ઉત્પાદકોના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે ₹30નો વધારો ચૂકવવાનો નિર્ણય લીધો છે. અગાઉ દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટે ₹840 ચૂકવવામાં આવતા હતા, જે હવે ₹30ના વધારા સાથે વધીને ₹870 મળશે. આમ, પશુપાલકોને પોષણક્ષમ ભાવ આપવા માટે વેચાણ ભાવમાં વધારો કરવો અનિવાર્ય બન્યો હોવાનું ડેરી દ્વારા જણાવાયું છે.
આ પણ વાંચો: Surat: રિવરવ્યૂ હાઈટ્સ આગકાંડમાં બિલ્ડર અને ફાયર વિભાગની ઘોર બેદરકારી; ફાયર પાઈપલાઈનના બદલે ગાર્ડનની બ્લુ લાઈન નાખી