સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલા 'રિવરવ્યૂ હાઈટ્સ' ના 12મા માળે થોડા દિવસ પહેલાં લાગેલી ભીષણ આગની ઘટનામાં હવે બિલ્ડર અને સુરત ફાયર વિભાગની ઘોર બેદરકારીના અત્યંત ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આ આગની દુર્ઘટનામાં ફ્લેટ માલિકનું લાખો રૂપિયાનું ફર્નિચર અને ઘરવખરીનો તમામ સામાન બળીને ખાખ થઈ જતાં આખો ફ્લેટ ખંઢેર જેવી હાલતમાં ફેરવાઈ ગયો છે. આશ્ચર્યજનક અને ચોંકાવનારી બાબત એ છે કે, બિલ્ડર દ્વારા રહીશો પાસેથી લાખો રૂપિયાનું આજીવન મેન્ટેનન્સ વસૂલવામાં આવ્યું હોવા છતાં બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના નામે માત્ર લોલમલોલ ચલાવવામાં આવી હોવાનો પર્દાફાશ થયો છે.
ફાયર લાઈનના બદલે ગાર્ડનની પાઈપ અને એક્સપાયર સાધનો
બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીની મજબૂત પાઈપલાઈન નાખવાના બદલે બિલ્ડરે ગાર્ડનમાં વપરાતી સામાન્ય બ્લુ પાઈપલાઈન લગાવી દીધી હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે. આગ લાગી ત્યારે જ્યારે પાણીનું પ્રેશર આવ્યું ત્યારે આ પાઈપ ફાટી ગઈ હતી, જેના કારણે આગ બુઝાવવામાં ભારે મુશ્કેલી પડી હતી.બિલ્ડિંગમાં લગાવવામાં આવેલા ફાયર સેફ્ટીના સાધનો અત્યંત જર્જરિત અને કટાઈ ગયેલી હાલતમાં છે. એટલું જ નહીં, ફાયર એક્સટિંગ્વિશર (બાટલા) ની મુદત પણ પૂર્ણ (એક્સપાયર) થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે.
બિલ્ડરે લાખો રૂપિયાનું આજીવન મેન્ટેનન્સ લીધું
ફ્લેટ માલિકે જ્યારે બિલ્ડિંગના અલગ-અલગ ફ્લોર પર જઈને ફાયર સેફ્ટીની ચકાસણી કરી ત્યારે ત્યાં પણ આવી જ ગંભીર બેદરકારી જોવા મળી હતી. પાણીની પાઈપો એવી રીતે ગોઠવવામાં આવી છે કે આગ લાગે ત્યારે તે બહાર નીકળી જ ન શકે. રહીશોનો આક્ષેપ છે કે બિલ્ડરે લાખો રૂપિયાનું આજીવન મેન્ટેનન્સ લીધું હોવા છતાં કોઈ પ્રાથમિક સુવિધા મળતી નથી. બિલ્ડિંગની લિફ્ટ બાબતે પણ અવારનવાર ફરિયાદો કરવા છતાં બિલ્ડર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી.
ઘટના બાદ પણ ફાયર વિભાગે નોટિસ ન આપતા ઉઠ્યા સવાલ
આ સમગ્ર પ્રકરણમાં સુરત ફાયર વિભાગની ભૂમિકા સામે પણ મોટા સવાલો ઊભા થયા છે. બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના સાધનો ખરાબ હાલતમાં હોવા છતાં ફાયર વિભાગ દ્વારા અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. 12મા માળે આગ લાગવાની આટલી મોટી ઘટના બની ગઈ અને લાખોનું નુકસાન થયું હોવા છતાં, આજદિન સુધી ફાયર વિભાગ દ્વારા બિલ્ડર કે સંચાલકોને કોઈ નોટિસ પણ ફટકારવામાં આવી નથી. ત્યારે રહીશોમાં ભારે રોષ સાથે એક જ સવાલ ઉઠી રહ્યો છે કે, જો ભવિષ્યમાં આ બિલ્ડિંગમાં કોઈ મોટી આગની દુર્ઘટના કે જાનહાનિ સર્જાશે તો તેની જવાબદારી કોની રહેશે — બેદરકાર બિલ્ડરની કે પછી આંખ આડા કાન કરનાર ફાયર વિભાગની?
આ પણ વાંચો: Ahmedabad: શહેરના આ મોટા વિસ્તારોમાં નળ રહેશે કોરા, રવિવાર 16 નવેમ્બરે બપોર પછી પાણી પુરવઠો બંધ