જામનગર શહેરમાં નશીલા પદાર્થોના વેચાણ અને હેરાફેરી સામે કાર્યવાહી કરવા ગયેલી પોલીસ ટીમ પર હુમલો થયો હોવાની એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના બાલાજી પાર્ક-3 વિસ્તારમાં ગતરાત્રે દરોડા દરમિયાન સર્જાયેલી માથાકૂટમાં એન્ટી નાર્કોટિક્સ વિંગના પોલીસ કર્મચારી પર ચાર શખ્સોએ હુમલો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

એન્ટી નાર્કોટિક્સ વિંગના દિગ્વિજયસિંહ પર 4 શખ્સોએ કર્યો હુમલો

મળતી વિગતો અનુસાર, જામનગર પોલીસની ટીમ દ્વારા ગતરાત્રે શહેરના બાલાજી પાર્ક-3 વિસ્તારમાં નશીલા પદાર્થો અંગે દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન સ્થાનિક શખ્સો સાથે માથાકૂટ થઈ હતી, જેમાં એન્ટી નાર્કોટિક્સ વિંગના પોલીસ કર્મચારી દિગ્વિજયસિંહ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવમાં મીરા ડામોર, રાધા ડામોર, ઠાકોર ડામોર અને ધર્મેન્દ્ર ડામોર સહિત 4 શખ્સોએ પોલીસ કર્મચારી પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.

પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી હુમલાખોરોની શોધખોળ શરૂ કરી

ફરજ પર રહેલા પોલીસ કર્મચારી પર હુમલાની ઘટના બનતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સમગ્ર બાલાજી પાર્ક-3 વિસ્તારને કોર્ડન કરીને સંભવિત હુમલાખોરોને ઝડપી પાડવા માટે સઘન શોધખોળ શરૂ કરી છે. જામનગર પોલીસ દ્વારા આ બનાવ અંતર્ગત કાયદેસરનો ગુનો નોંધીને આગળની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: Gandhinagar: નવી બનેલી 9 મહાનગરપાલિકાઓમાં પાયાની સુવિધાઓ ઊભી કરવા સરકારી જમીન વિનામૂલ્યે અપાશે