રાજ્યમાં વરસાદની ભારે ખેંચ વચ્ચે સૌરાષ્ટ્રના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ફરી એન્ટ્રી થઈ છે. ધ્રોલના ખીજડીયા, બીજલકા, ઈટાળા સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસતાં લાંબા સમયથી વરસાદની રાહ જોઈને બેઠેલા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. આ વરસાદથી ખેતરોમાં સુકાઈ રહેલા પાકને મોટું જીવતદાન મળ્યું છે.

સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

બીજી તરફ, જૂનાગઢ શહેરમાં પણ બપોર બાદ વરસાદી માહોલ જામ્યો હતો. શહેરના મધુરમ સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડતાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને બફારાથી લોકોને મોટી રાહત મળી છે અને વાતાવરણમાં સુંદર ઠંડક પ્રસરી ગઈ છે.અમરેલીના સાવરકુંડલા પંથકમાં પણ મેઘરાજ મહેરબાન થયા છે. સાવરકુંડલાના જેસર રોડ પર આવેલા ગામો જેવા કે હિપાવડલી, મોટા ભમોદ્રા અને ઘોબા ગામે વરસાદી માહોલ છવાયો હતો. જેમાં ઘોબા ગામે ધીમીધારે જ્યારે હિપાવડલી અને મોટા ભમોદ્રામાં સારો વરસાદ નોંધાયો છે. હજુ પણ ધોધમાર વરસાદ પડશે તેવી આશા સાથે જગતનો તાત આકાશ તરફ મીટ માંડીને બેઠો છે.

વરસાદથી સુકાતા પાકને મળ્યું જીવતદાન

આ ઉપરાંત, ભાવનગરના જેસર શહેરમાં બપોર બાદ હવામાન બદલાયું હતું અને ધુઆંધાર વરસાદ શરૂ થયો હતો. જેસર શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતાં રસ્તાઓ અને મુખ્ય બજારોમાં વરસાદી પાણી રેલાયા હતા. આ સાર્વત્રિક વરસાદથી સમગ્ર સૌરાષ્ટ્રમાં ખેડૂતોના મુરઝાઈ ગયેલા પાકને નવું જીવન મળ્યું છે.

આ ફણ વાંચો: Gandhinagar: રાજ્યમાં ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી માટે 10 સપ્ટેમ્બરથી રજીસ્ટ્રેશનનો પ્રારંભ