જેતપુર શહેરમાંથી એક અત્યંત દુઃખદ અને હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે. ધોરણ 10 માં અભ્યાસ કરતો 15 વર્ષીય વિદ્યાર્થી પૂર્વ દિવ્યેશભાઈ મહાલીયા પોતાનું ટ્યુશન પૂરું કરીને મોપેડ (સ્કૂટર) પર ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં જ તેના મોપેડમાંથી પેટ્રોલ ખૂટી ગયું હતું.

 હૃદયરોગનો તીવ્ર હુમલો આવ્યો 

https://twitter.com/sandeshnews/status/2092553986381647967

જેતપુરમાં કાળજું કંપાવતી ઘટના

પેટ્રોલ ખૂટી જતાં પૂર્વ પોતાના મોપેડને ઢસડીને દોરાવીને લઈ જઈ રહ્યો હતો. આ શારીરિક શ્રમ દરમિયાન અચાનક જ તેને હૃદયરોગનો તીવ્ર હુમલો આવ્યો હતો અને તે ચાલતા ચાલતા એક જ સેકન્ડમાં બેશુદ્ધ થઈને રસ્તા પર ઢળી પડ્યો હતો. આ જોઈ તેની સાથે જઈ રહેલા સાથી વિદ્યાર્થીઓ ચોંકી ઊઠ્યા હતા અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. જોકે, ત્યાં ફરજ પરના તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. આ સમગ્ર ઘટનાના કાળજું કંપાવતા સીસીટીવી (CCTV) ફૂટેજ પણ સામે આવ્યા છે.

હૃદય અગાઉથી જ માત્ર 30 ટકા કામ કરતું હતું

ઘટના બાદ સામે આવેલી માહિતી અનુસાર, પૂર્વ મહાલીયાનું હૃદય અગાઉથી જ માત્ર 30 ટકા કામ કરતું હતું. આ કારણોસર ડોક્ટરોએ તેને કોઈ પણ પ્રકારનો શારીરિક શ્રમ કરવાની સખત મનાઈ ફરમાવી હતી. પરંતુ મોપેડ બંધ પડી જતાં તેને નાછૂટકે ધક્કો મારવો પડ્યો હતો, જે તેના હૃદય પર ભારે પડી ગયો હતો.

પરિવારમાં ભારે શોકનું મોજું

પરિવારજનોના જણાવ્યા મુજબ, ત્રણ ભાઈઓના સંયુક્ત પરિવાર વચ્ચે પૂર્વ એકમાત્ર સંતાન હતો. 15 વર્ષની નાની વયે જ મોપેડ દોરાવતી વખતે અચાનક ઢળી પડવાથી પૂર્વનું અકાળે અવસાન થતાં સમગ્ર મહાલીયા પરિવાર અને જેતપુર પંથકમાં અરેરાટી સાથે કરૂણ આક્રંદ ફેલાઈ ગયું છે.

આ પણ વાંચો:  Surat: નાનપુરા ફિશ માર્કેટના નામ અંગે વિવાદ ઘેરાયો, વડાપ્રધાનના નામના બોર્ડને સફેદ કવરથી ઢાંકી દેવાયું