રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ-પીઠડીયા રેલવે ટ્રેક પરથી મળી આવેલી અજાણી યુવતીની લાશ પાછળનો અત્યંત સનસનાટીભર્યો અને કમકમાટી ઉપજાવે તેવો ભેદ વીરપુર પોલીસે ઉકેલી નાખ્યો છે. આ કોઈ આકસ્મિક બનાવ કે આત્મહત્યા નહીં, પરંતુ ચારિત્ર્યની શંકામાં પતિ દ્વારા કરવામાં આવેલો પૂર્વઆયોજિત હત્યાકાંડ હોવાનું બહાર આવ્યું છે. પત્નીનું ગળું દબાવ્યા બાદ પણ શ્વાસ ચાલુ જણાતાં માથામાં પથ્થરોના ઘા ઝીંકી ક્રૂરતાપૂર્વક હત્યા કરી લાશને ટ્રેક પર ફેંકી દેનાર હત્યારા પતિ દીપક સેંગારને વીરપુર પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
ટ્રેનના લોકો પાયલટની સતર્કતાથી ષડયંત્રનો પર્દાફાશ થયો
મોડી રાત્રિના સુમારે કાગવડ-પીઠડીયા વચ્ચેના રેલવે ટ્રેક પરથી ગાંધીનગર-વેરાવળ ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે તેના લોકો પાયલટ (ડ્રાઈવર) ને ટ્રેક પર કંઈક શંકાસ્પદ વસ્તુ કે માનવશરીર પડ્યું હોવાનું ધ્યાને આવ્યું હતું.ડ્રાઈવરે તાત્કાલિક જેતલસર રેલવે કંટ્રોલ રૂમને એલર્ટ કરતાં પાછળ આવી રહેલી બાંદ્રા-વેરાવળ ટ્રેનના ડ્રાઈવરને ચોક્કસ લોકેશન આપી ગતિ ધીમી રાખવા સૂચના અપાઈ હતી.લોકો પાયલટે સ્થળ પર ટ્રેન રોકી તપાસ કરતાં માથાના ભાગે ગંભીર ઈજાઓ સાથે એક અજાણી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો.મૃતદેહનો કબજો જેતલસર રેલવે પોલીસ મારફતે હદ વિસ્તાર ધરાવતી વીરપુર પોલીસને સોંપવામાં આવ્યો હતો.
ફોરેન્સિક PM રિપોર્ટમાં ગળું દબાવ્યાની પુષ્ટિ
વીરપુર પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સથી તપાસ કરતાં મૃતક મહિલા મૂળ મધ્યપ્રદેશની વતની અને કાગવડની સીમમાં પરિવાર સાથે રહી ખેતમજૂરી કરતી 20 વર્ષીય દક્ષાબેન દીપકભાઈ સેંગાર હોવાનું ખુલ્યું હતું.જેતપુર સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ ખાતે કરાવવામાં આવેલા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ (FSL/PM) રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે યુવતીનું મોત ટ્રેનની અડફેટે આવવાથી નહીં, પરંતુ ગળું દબાવીને શ્વાસ રુંધવાથી થયું છે.હત્યાની પુષ્ટિ થતાં જ પોલીસે મૃતકના પતિ દીપક સેંગારને રાઉન્ડ-અપ કરી આકરી પૂછપરછ શરૂ કરી હતી.
'શ્વાસ ચાલતો હતો એટલે માથામાં પથ્થર માર્યા'
પોલીસ પૂછપરછમાં આરોપી દીપકે ગુનાની કબૂલાત કરતાં જણાવ્યું મૃતક દક્ષાના પિતા સમીરભાઈ ભૂરિયાની ફરિયાદ મુજબ, દીકરીના લગ્ન ૬ મહિના પૂર્વે જ દીપક સાથે થયા હતા. દીપક દારૂ પીને દક્ષાના ચારિત્ર્ય પર અવારનવાર શંકા કરી મારઝૂડ કરતો હતો.ગત રાત્રે બોલાચાલી થતાં દીપકે આવેશમાં આવી પત્ની દક્ષાનું ગળું દબાવી દીધું હતું.પત્ની મરી ગઈ હોવાનું માની લાશને આત્મહત્યામાં ખપાવવા તે રેલવે ટ્રેક પર લઈ ગયો હતો. જોકે ટ્રેક પર પહોંચતાં દક્ષાનો શ્વાસ ચાલતો હોવાનું જણાતાં તેણે નિર્દયતાથી માથાના ભાગે પથ્થરો ઝીંકી તેને પતાવી દીધી હતી.ઉતાવળમાં લાશનો માત્ર માથાનો હિસ્સો જ પાટા પર રહ્યો અને બાકીનું શરીર બહાર રહી ગયું હતું, જેના કારણે ટ્રેન નીચે ચગદાઈ જવાનો તેનો પ્લાન નિષ્ફળ રહ્યો હતો.દીપકે આ કરતૂત પોતાના પિતા પ્રતાપભાઈને જણાવી હતી, જેમણે વેવાઈ સમીરભાઈને જાણ કરતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.
આ પણ વાંચો: Dahod: ત્રિપલ અકસ્માતમાં જિંદગી સામેનો જંગ હારી ગયો 14 વર્ષનો માસૂમ; મૃત્યુઆંક વધીને 4 પહોંચતા હાહાકાર