ગિરનારની ગોદમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ અને પર્યટન સ્થળ ભવનાથ તળેટી વિસ્તારમાં વનરાજોની મુક્ત મને અવરજવર વધતાં સ્થાનિકો, આશ્રમના સાધુ-સંતો તેમજ બહારથી આવતા પ્રવાસીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ખોરાક અને પાણીની શોધમાં જંગલની સરહદ વટાવીને બે સિંહો ભવનાથના જાહેર માર્ગો પર આવી ચડ્યા હતા. આ દરમિયાન ગુરુ ગોરખનાથ આશ્રમ નજીક રસ્તા પર ગાયનો શિકાર કરવા પાછળ દોટ મૂકતા સિંહોના રૂંવાડા ઊભા કરી દેતા સીસીટીવી (CCTV) ફૂટેજ સામે આવ્યા છે.
ગુરુ ગોરખનાથ આશ્રમ અને લાખા કોઠા પાસે દેખાયા બે સાવજ
પ્રાપ્ત વિગતો અનુસાર, મોડી રાત્રિના સુમારે બે સિંહો તળેટીના મુખ્ય માર્ગો પર નિર્ભયપણે લટાર મારતા જોવા મળ્યા હતા. ગુરુ ગોરખનાથ આશ્રમ પાસેથી પસાર થતી વખતે રસ્તા પર ઊભેલી ગાયને જોઈ બંને સિંહોએ અચાનક તેના પર તરાપ મારવા દોટ લગાવી હતી. ગાય જીવ બચાવીને ભાગતી અને પાછળ સિંહો પૂરપાટ દોડતા હોવાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.આ ઉપરાંત તળેટીના લાખા કોઠા નજીક પણ આ બંને સાવજો જાહેર રસ્તા પરથી પસાર થઈને ધીમે પગલે ફરી જંગલ તરફ જતા જોવા મળ્યા હતા.
