અમદાવાદ મહાનગરપાલિકા (AMC) અને સ્થાનિક વહીવટી તંત્રની ગુનાહિત બેદરકારીનો વધુ એક ભયાનક કિસ્સો સામે આવ્યો છે. શહેરના વિશાલાથી પીપળજ જવાના મુખ્ય માર્ગ પર ખુલ્લી પડેલી ડ્રેનેજ લાઈનમાં 9 વર્ષની માસૂમ બાળકી અચાનક ખાબકી જતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર અને આક્રોશ ફેલાયો છે. દુર્ઘટનાને 15 કલાક કરતાં પણ વધુ સમય વીતી ચૂક્યો હોવા છતાં ગટરના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયેલી બાળકીનો કોઈ પત્તો લાગ્યો નથી, જેના કારણે પરિવારજનોમાં હૈયાફાટ રુદન જોવા મળી રહ્યું છે.
15 કલાકથી નદીના ત્રણ પટમાં સઘન તપાસ
ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી હતી.ડ્રેનેજ લાઈનમાં પાણીનો પ્રવાહ ખૂબ તેજ હોવાથી બાળકી આગળ મેગા પાઇપલાઇન મારફતે સાબરમતી નદી તરફ ખેંચાઈ ગઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડ દ્વારા અલગ-અલગ 3 સ્થળોએ નદીના પટ તેમજ મુખ્ય ડ્રેનેજ આઉટલેટ્સ પાસે બોટ અને સર્ચ લાઈટ્સની મદદથી સઘન તપાસ કરવામાં આવી રહી છે.લાંબી શોધખોળ અને ભારે જહેમત છતાં હજુ સુધી બાળકી અંગે કોઈ સગડ મળ્યા નથી.
