ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના શાસકો પસંદ કરવા માટે આજે વહેલી સવારથી લોકશાહીના મહાપર્વનો ઉત્સાહપૂર્ણ પ્રારંભ થયો છે. પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકા તેમજ બનાસકાંઠા જિલ્લાની થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. સવારથી જ મતદાન મથકો પર મતદારોની લાંબી લાઈનો જોવા મળી રહી છે, જેમાં ખાસ કરીને શતાયુ વય તરફ ડગ માંડી રહેલા વયોવૃદ્ધ નાગરિકોની જાગૃતિ સમગ્ર રાજ્ય માટે પ્રેરણારૂપ બની છે.

થરા નગરપાલિકા 6 વોર્ડની 24 બેઠકો પર 59 ઉમેદવારો વચ્ચે મુકાબલો

બનાસકાંઠા જિલ્લાના વેપારી નગર થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અંતર્ગત સવારે નિયત સમયે મતદાન શરૂ થયું હતું.થરા નગરપાલિકાના કુલ ૬ વોર્ડની ૨૪ બેઠકો પર પોતાનું રાજકીય નસીબ અજમાવી રહેલા 59 ઉમેદવારો માટે મતદાન યોજાઈ રહ્યું છે. અસ્વસ્થ હોવા છતાં 95 વર્ષના ગજરાબેન રાઠોડ પોતાની પુત્રવધૂ સાથે મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા. તેમણે મતાધિકારનો ઉપયોગ કરીને અન્ય નાગરિકોને પણ ઘરની બહાર નીકળી મતદાન કરવા માટે પ્રેરક અપીલ કરી હતી.યુવા મતદારો, મહિલાઓ તેમજ દિવ્યાંગ મતદારો માટે તંત્ર દ્વારા ખાસ રેમ્પ અને વ્હીલચેરની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.

ગાંધીનગર મનપામાં સુરક્ષા, સ્વચ્છતા અને રોજગારીના મુદ્દે મતદાન

પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકામાં પણ મતદારો પોતાના સ્થાનિક પ્રશ્નોને પ્રાથમિકતા આપીને મતદાન મથકોએ ઉમટી રહ્યા છે. ગાંધીનગરમાં 91 વર્ષના વયોવૃદ્ધ નાગરિક પોતાના સમગ્ર પરિવાર સાથે મતદાન મથકે પહોંચ્યા હતા અને મતાધિકારનો પવિત્ર ઉપયોગ કર્યો હતો. પાટનગરના નાગરિકો શહેરની સુરક્ષા વ્યવસ્થા, રોડ-રસ્તા અને ડ્રેનેજની સ્વચ્છતા તેમજ યુવાનો માટે સ્થાનિક રોજગારીની તકો જેવા પાયાના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.

આ પણ વાંચો:  Panchmahal: પાવાગઢમાં નવરાત્રિના પ્રથમ નોરતે ભક્તિનો મહેરામણ; રવિવારના સંયોગે લાખો ભક્તો ઉમટ્યા