આજથી પાવનકારી આસો નવરાત્રિ મહોત્સવનો ભક્તિભાવપૂર્વક પ્રારંભ થયો છે, ત્યારે પંચમહાલ જિલ્લામાં આવેલા જગવિખ્યાત શક્તિપીઠ પાવાગઢ ખાતે આસ્થાનું અભૂતપૂર્વ ઘોડાપૂર જોવા મળ્યું છે. નવરાત્રિના પ્રથમ નોરતે વહેલી સવારથી જ પાવાગઢ ડુંગર પર બિરાજમાન જગતજનની માં મહાકાળીના દર્શન કરવા માટે હજારો-લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. પ્રથમ નોરતું અને રવિવારની રજાનો અદ્ભુત સંયોગ રચાતાં સમગ્ર યાત્રાધામ પરિસર ‘જય માતાજી’ અને ‘બોલો અંબે માત કી જય’ના ગગનભેદી નારાઓથી ગુંજી ઊઠ્યું છે.

મંગળા આરતીના દર્શન કરી માઈભક્તો થયા ધન્ય

માતાજીના આશીર્વાદ મેળવવા માટે શ્રદ્ધાળુઓ મોડી રાતથી જ તળેટી તેમજ ચાંચિયા ડુંગરના પગથિયાં ચડીને મંદિરે પહોંચવા લાગ્યા હતા. વહેલી સવારે શાસ્ત્રોક્ત વિધિ મુજબ યોજાયેલી માતાજીની મંગળા આરતીના દર્શનનો લ્હાવો લેવા માટે મંદિર પરિસર અને ચાચર ચોકમાં ભક્તોની વિશાળ કતારો લાગી હતી.આરતીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી અને નવરાત્રિના ઉપવાસ-અનુષ્ઠાનનો પ્રારંભ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવીને કર્યો હતો.

પડોશી રાજ્યોમાંથી પણ લાખો શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ

પાવાગઢ શક્તિપીઠ માત્ર ગુજરાત પૂરતું સીમિત ન રહેતાં દેશભરના શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે.આસો નવરાત્રિના પાવન અવસરે ગુજરાત ઉપરાંત પડોશી રાજ્યો જેવાં કે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી પણ ખૂબ મોટી સંખ્યામાં માઈભક્તો સંઘો લઈને દર્શનાર્થે પહોંચ્યા છે.ખાનગી વાહનો, એસટી બસો અને પગપાળા યાત્રિકોના સતત ધસારાને પગલે પાવાગઢ તળેટી અને ચાંપાનેર તરફના તમામ માર્ગો ભક્તિમય બની ગયા છે.

પંચમહાલ વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા ચુસ્ત વ્યવસ્થા

ભારે ભીડને ધ્યાનમાં રાખીને પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત: કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તળેટીથી માંડીને માંચી અને ડુંગરના શિખર સુધી પોલીસ જવાનોનો કાફલો ખડેપગે તૈનાત કરાયો છે. શ્રદ્ધાળુઓ સરળતાથી અને ઝડપથી દર્શન કરી શકે તે માટે અલગ-અલગ લાઈનો અને વન-વે એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ્સ કાર્યરત કરાયા છે.પીવાના શુદ્ધ પાણી, આરોગ્ય અને પ્રાથમિક સારવારની ટીમો તેમજ રોપ-વે સેવા પણ સાવચેતી સાથે કાર્યરત રાખવામાં આવી છે જેથી દર્શનાર્થીઓને કોઈ અગવડ ન પડે.

આ પણ વાંચો: Rajkot: નાના મવા સર્કલે AQI 300 ને પાર પહોંચતાં રેડ એલર્ટ જેવી સ્થિતિ, શહેરીજનોના શ્વાસ રુંધાયા!