ચોમાસાની વિદાય અને આસો મહિનાના પ્રારંભ સાથે જ રંગીલા રાજકોટ શહેરમાં હવામાનમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. વાતાવરણ સૂકું બનતાંની સાથે જ શહેરમાં વાયુ પ્રદૂષણના સ્તરમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે. શહેરના પોશ અને સતત ધમધમતા એવા નાના મવા સર્કલ વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 300 સુધી પહોંચી જતાં હવાની ગુણવત્તા અત્યંત ખરાબ શ્રેણીમાં આવી ગઈ છે. શહેરના અન્ય વિસ્તારોમાં પણ પ્રદૂષણનો પારો ઝડપથી ઊંચે ચડતાં શહેરીજનોના આરોગ્ય સામે મોટો ખતરો ઊભો થયો છે.
નાના મવા સર્કલે પ્રદૂષણનો આંક 300
હવામાન અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના મોનિટરિંગ સેન્ટર્સના આંકડા અનુસાર સતત ટ્રાફિક અને સૂકી ધૂળની ડમરીઓના કારણે નાના મવા સર્કલ ખાતે AQI નો આંકડો 300 ના ખતરનાક સ્તરે પહોંચી ગયો છે. રાજકોટના અન્ય રહેણાંક અને ઔદ્યોગિક વિસ્તારોમાં પણ પ્રદૂષણનું સ્તર સામાન્ય કરતાં ઘણું ઊંચું નોંધાયું છે, જ્યાં AQI નો આંકડો 100 થી 250 ની વચ્ચે રહ્યો છે. સૂકા પવનો ફૂંકાવાને લીધે વાતાવરણમાં સસ્પેન્ડેડ પાર્ટિક્યુલેટ મેટર (PM 2.5 અને PM 10) નું પ્રમાણ જળવાઈ રહેતાં ધૂંધળું વાતાવરણ છવાઈ ગયું છે.
