જૂનાગઢ જિલ્લાના ખડીયા ગામના હનુમાનપુરા વિસ્તારમાં સામાન્ય નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ક્રૂર ચેડાં કરતી એક અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. એક રહેણાંક મકાનમાં લાંબા સમયથી ઘાતક કેમિકલ્સ અને પાવડરનો ઉપયોગ કરીને નકલી દૂધ બનાવવાનું મોટું કૌભાંડ ચાલી રહ્યું હતું. ગુપ્ત બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડીને નકલી દૂધના આ કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે.

નકલી દૂધ બનાવવાનું મોટું કૌભાંડ 

દરોડા દરમિયાન પોલીસે મુખ્ય આરોપી જયદીપ ભેડાને પોતાના ઘરમાંથી જ નકલી દૂધ બનાવતા રંગેહાથ પકડી પાડ્યો છે.પોલીસને તપાસ દરમિયાન સ્થળ પરથી પામોલીન તેલના ડબ્બા, દૂધ બનાવવાનો ખાસ કેમિકલયુક્ત પાવડર તેમજ હજારો રૂપિયાની બનાવટી સામગ્રી મળી આવી છે. આરોપી પામોલીન તેલ અને પાવડરને ચોક્કસ પ્રમાણમાં મિશ્રિત કરીને અસલી દૂધ જેવું જ ઘાટું પ્રવાહી તૈયાર કરતો હતો અને તેને બજારમાં વેચાણ માટે મોકલતો હતો. પોલીસે સ્થળ પરથી આશરે 60 લીટર જેટલો શંકાસ્પદ કેમિકલયુક્ત જથ્થો જપ્ત કરી તેનો નાશ કર્યો છે.

શંકાસ્પદ કેમિકલયુક્ત જથ્થો જપ્ત

આ ઘટના સામે આવ્યા બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોના રોજિંદા આહાર સાથે આ પ્રકારે ઝેર ભેળવવાના ધંધા સામે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગની કામગીરી અને નિષ્ક્રિયતા સામે પણ ગંભીર સવાલો ઉભા થયા છે. પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદાનું ભાન કરાવવા કડક કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: Thangadh: તરણેતરના મેળામાં 'મોતનો કૂવો' તૂટી પડતા ભાગદોડ, વઢવાણની ઘટના બાદ રાઇડ તૂટવાનો બીજો કિસ્સો