સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે યોજાયેલા વિશ્વપ્રસિદ્ધ તરણેતરના ભાતીગળ મેળામાં મોટી દુર્ઘટના સર્જાતાં બચી ગઈ છે. મેળામાં ચાલી રહેલા 'મોતનો કૂવો' રાઇડનો એક ભાગ અચાનક તૂટી પડ્યો હતો. બનાવને પગલે મેળામાં આવેલા ખેલૈયાઓ અને મુલાકાતીઓમાં ભારે ભાગદોડ અને અફરાતફરી મચી ગઈ હતી.
ભાતીગળ મેળામાં મોટી દુર્ઘટના સર્જાતાં બચી
આ અકસ્માતમાં આજુબાજુમાં ઉભેલા લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી, પરંતુ સદનસીબે કોઈ મોટી જાનહાનિ કે ગંભીર ઈજા ન થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં મેળામાં રાઇડ દુર્ઘટનાની આ સતત બીજી ઘટના છે. ગત ૭ સપ્ટેમ્બરના રોજ વઢવાણના મેળામાં રાઇડ પરથી પડી જવાથી 12 વર્ષની માસુમ નિહારિકા પરમારનું કરૂણ મોત નીપજ્યું હતું. આટલી મોટી ઘાતક ઘટના બન્યા છતાં તરણેતરના મેળામાં સરકારી નિયમો નેવે મૂકીને રાઇડો શરૂ કરી દેવામાં આવી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
