જૂનાગઢના દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રી જવાહર ચાવડાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રાજ્યના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ વાયરલ વીડિયોમાં જવાહર ચાવડાએ ગુજરાતમાં વારંવાર બનતી પેપર લીકની ઘટનાઓ અને વધતી જતી બેરોજગારીના મુદ્દે સિસ્ટમ પર અત્યંત આકરા આક્ષેપો કર્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે પેપર લીકના કારણે રાજ્યના યુવાનોનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે, જેને લઈને સમગ્ર ગુજરાતમાં ભારે રોષ વ્યાપ્યો છે.
રાજ્યના રાજકારણમાં ભારે ખળભળાટ
વાયરલ વીડિયોમાં જવાહર ચાવડાએ શિક્ષિત બેરોજગાર યુવાનોની વ્યથા રજૂ કરતા કહ્યું હતું કે, "આજે ગુજરાતના 91 લાખ યુવાનોની વેદના છે, પરંતુ તેમની સામે આખી સિસ્ટમ લાચાર બની ગઈ છે. છેલ્લા દસ વર્ષથી રાજ્યમાં બેરોજગારીનો અંધકાર છવાયો છે." તેમણે વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરનારા ગુનેગારો આજે બેફામ ફરી રહ્યા છે, તેમ છતાં તેમને કોઈ સવાલો પૂછતું નથી.
