લાખો શ્રદ્ધાળુઓની અતૂટ આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્ર સમાન જૂનાગઢના ગિરનારની પવિત્ર લીલી પરિક્રમાનો આજથી ભવ્ય પ્રારંભ થયો છે. ગિરનારની પાવન ભૂમિ પર ભક્તિનો રંગ જામવા લાગ્યો છે અને સમગ્ર પરિક્રમા માર્ગ પર શ્રદ્ધા અને ભક્તિનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ પરિક્રમાર્થીઓ ભારે ઉત્સાહ સાથે 'જય ગિરનારી'ના ગગનભેદી નાદ લગાવતા પરિક્રમાના રૂટ પર આગળ વધી રહ્યા છે.
પરિક્રમા માર્ગ પર આસ્થાનો મહાસાગર
ગિરનાર લીલી પરિક્રમાના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ મુજબ, રાજ્યના ખૂણેખૂણેથી આવેલા લાખો શ્રદ્ધાળુઓના કારણે ગિરનાર પરિક્રમા સ્થળ જાણે આસ્થાના મહાસાગરમાં ફેરવાઈ ગયું છે. ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન આ પરિક્રમામાં નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધીના તમામ શ્રદ્ધાળુઓમાં અદભુત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમગ્ર જંગલ વિસ્તાર અને પરિક્રમાના માર્ગો 'જય ગિરનારી'ના નાદથી ગુંજી ઉઠ્યા છે.
