ગુજરાતની સૌથી મોટી અને આસ્થાના મહાકુંભ સમાન ગરવા ગિરનારની લીલી પરિક્રમાને લઈને ધર્મપ્રેમી જનતા અને સાધુ-સંતો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સમાચાર સામે આવ્યા છે. આગામી ગિરનાર પરિક્રમામાં આશરે 200 વર્ષ જૂની લુપ્ત થયેલી ધાર્મિક પરંપરાને ફરી એકવાર પુનઃજીવિત કરવામાં આવશે. ગિરનાર તળેટી સ્થિત સુપ્રસિદ્ધ સરકડીયા હનુમાનજી મંદિર દ્વારા પ્રથમવાર આ ઐતિહાસિક આયોજન હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત વહીવટી તંત્ર અને વરિષ્ઠ સાધુ-સંતોની વિશેષ ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત શાલિગ્રામ પૂજન સાથે પરિક્રમાનો વિધિવત પ્રારંભ કરવામાં આવશે.
સરકડીયા હનુમાનજી મંદિર દ્વારા પ્રથમવાર ઐતિહાસિક પહેલ
સદીઓ પહેલાં ગિરનાર પરિક્રમાના પ્રારંભે જે શાસ્ત્રોક્ત વિધિ અને પરંપરાઓ નિભાવવામાં આવતી હતી, જે સમય જતાં લુપ્ત થઈ ગઈ હતી, તેને 200 વર્ષ બાદ ફરીથી જીવંત કરવાનો નિર્ણય લેવાયો છે. ઐતિહાસિક પહેલ સરકડીયા હનુમાનજી મંદિર દ્વારા પ્રથમ વખત કરવામાં આવી રહી છે, જેમાં તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને સંત સમાજની હાજરીમાં શાલિગ્રામ ભગવાનનું પૂજન કરીને પરિક્રમાની વિધિવત શરૂઆત કરાશે.પરિક્રમાના પવિત્ર પર્વ નિમિત્તે દેવઉઠી એકાદશીના દિવસે વિશેષ વૈદિક પૂજા-અર્ચનાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
