વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આજે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાની એક અત્યંત ભયાનક અને ચોંકાવનારી દુર્ઘટના સામે આવી છે. ઘરમાં મહિલા રસોઈ (જમવાનું) બનાવવા માટે ગઈ હતી તે દરમિયાન અચાનક ગેસના બોટલમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. ધડાકો એટલો જોરદાર હતો કે આસપાસના રહીશોમાં ભારે ગભરાટ અને નાસભાગ મચી ગઈ હતી, જ્યારે બ્લાસ્ટ બાદ ઘરમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં જમવાનું બનાવવા ગયેલી મહિલા સહિત ઘરમાં હાજર અન્ય 4 લોકો એમ કુલ 5 લોકો આગની ઝપેટમાં આવી જતાં દાઝી ગયા છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ગાજરાવાડી વિસ્તારમાં જમવાનું બનાવવા જતાં સર્જાઈ હોનારત

પ્રાથમિક વિગતો મુજબ, ગાજરાવાડી વિસ્તારમાં રહેતા પરિવારની મહિલા જ્યારે રસોડામાં જમવાનું બનાવવા ગઈ ત્યારે ગેસ લીકેજ અથવા અન્ય કોઈ ટેકનિકલ કારણોસર ગેસ બોટલમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો.બ્લાસ્ટ થતાં જ આગની જ્વાળાઓ ફેલાઈ હતી, જેમાં મહિલા ઉપરાંત ઘરમાં હાજર અન્ય 4 વ્યક્તિઓ મળીને કુલ 5 લોકો દાઝી ગયા હતા.

ગેસના બોટલમાં પ્રચંડ બ્લાસ્ટમાં 5 ઈજાગ્રસ્ત

ધડાકાનો અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક રહીશો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને દાઝી ગયેલા તમામ 5 ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. બનાવની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડની ટીમ લાશ્કરો સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. આ ઘટનાને પગલે સમગ્ર ગાજરાવાડી વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: Surat: છઠ્ઠ મહાપર્વને લઈ તંત્રની તડામાર તૈયારીઓ, તાપી નદી પર 18 ઘાટ સજ્જ કરાયા અને 200 સ્વયંસેવકો તૈનાત