સુરતમાં વસતા લાખો ઉત્તર ભારતીય પરિવારોની આસ્થાના પ્રતીક સમાન છઠ્ઠ મહાપર્વની ઉજવણી માટે વહીવટી તંત્ર અને સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ભગવાન સૂર્યદેવ અને છઠ્ઠી મૈયાની ઉપાસનાના આ મહાપર્વ દરમિયાન શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે સમગ્ર શહેરમાં તાપી નદીના કિનારે 18 જેટલા ઘાટ સજ્જ કરવામાં આવ્યા છે. ખાસ કરીને સિંગણપોર-ડભોલી ઘાટ અને ડિંડોલી તળાવ ખાતે ભક્તોના ભારે ધસારાને ધ્યાનમાં રાખીને વિશેષ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.
સુરતમાં છઠ્ઠ મહાપર્વની ઉજવણી તૈયારીઓ
સુરત મહાનગરપાલિકા અને સ્થાનિક તંત્ર દ્વારા તાપી નદીના વિવિધ વિસ્તારોમાં આવેલા 18 ઘાટ પર જરૂરી સમારકામ, બેરિકેડિંગ અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શ્રદ્ધાળુઓ વિધિવત રીતે છઠ્ઠ પૂજા અને અર્ઘ્ય અર્પણ કરી શકે તે માટે સિંગણપોર-ડભોલી ઘાટ ખાતે 80થી વધુ વેદીઓ તૈયાર કરવામાં આવી છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં ઉત્તર ભારતીય સમાજની મોટી વસ્તી હોવાથી ડિંડોલી તળાવ ખાતે હજારોની સંખ્યામાં વ્રતીઓ અને શ્રદ્ધાળુઓ ઉમટી પડશે, જેને લઈને ત્યાં વિશેષ આયોજન કરાયું છે.
