ઘરમાં નાના ભૂલકાંઓ રમતા હોય ત્યારે માતા-પિતાની સહેજ અમથી નજર ચૂકવી પણ કેટલી ભારે પડી શકે છે, તેનો એક અત્યંત હૃદયદ્રાવક અને કાળજું કંપાવી દેતો કિસ્સો સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાંથી સામે આવ્યો છે. ભેસ્તાન વિસ્તારમાં રહેતા એક પરિવારના માત્ર ૧.૫ વર્ષીય (દોઢ વર્ષના) માસૂમ બાળક સુપ્રીત યાદવનું ઘરમાં રાખેલી પાણીની ડોલમાં ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યું છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને વિસ્તારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.
રમતા-રમતા પાણીની ડોલ પાસે પહોંચ્યો અને દુર્ઘટના સર્જાઈ
ઘટના સમયે મૃતક બાળક સુપ્રીતની માતા તેમના બીજા બાળક સાથે ઘરના અન્ય રૂમમાં વ્યસ્ત હતા, ત્યારે દોઢ વર્ષીય સુપ્રીત ઘરમાં રમી રહ્યો હતો. રમતા-રમતા માસૂમ સુપ્રીત ઘરમાં રાખેલી પાણી ભરેલી ડોલ પાસે પહોંચી ગયો હતો અને અચાનક ડોલમાં ઊંધે માથે પડી જતાં પાણીમાં ડૂબી ગયો હતો.થોડીવાર બાદ બાળક ન દેખાતા તેની માતાએ ઘરમાં શોધખોળ શરૂ કરી હતી. ત્યારે પાણીની ડોલમાં બાળકને ડૂબેલી હાલતમાં જોઈને માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બાળકને તાત્કાલિક બેભાન અવસ્થામાં સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ તપાસ બાદ માસૂમ સુપ્રીતને મૃત જાહેર કરતાં પરિવારજનોમાં હૈયાફાટ રુદન છવાઈ ગયું હતું.
