ગિરનાર પર્વત પર કુદરતી વાતાવરણમાં આવેલા મોટા પલટાને કારણે રોપ-વે સેવા ખોરવાઈ ગઈ છે. ગિરનાર પર્વત પર છેલ્લા પાંચ દિવસથી વહેલી સવારથી જ ભારે સસવાટા મારતો તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે. રોપ-વેના એન્જિનિયરિંગ અને સેફ્ટી પ્રોટોકોલ મુજબ, જ્યારે પર્વતીય વિસ્તારમાં પવનની ગતિ ચોક્કસ કીલોમીટર પ્રતિ કલાકની મર્યાદા વટાવી જાય ત્યારે હવામાં લટકતી કેબિનો (ટ્રોલી) ગંભીર રીતે ડોલવા લાગે છે, જે મોટી હોનારત સર્જી શકે છે. આથી, કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય તે માટે ઓપરેટિંગ કંપની અને વહીવટી તંત્ર દ્વારા રોપ-વે સેવા સતત પાંચ દિવસથી સત્તાવાર રીતે બંધ રાખવામાં આવી છે.
દૂર-દૂરથી આવેલા યાત્રિકો મુશ્કેલીમાં
બીજી તરફ, રોપ-વે સેવા લાંબા સમય સુધી બંધ રહેવાના કારણે ગુજરાત અને દેશભરમાંથી આવેલા હજારો પ્રવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને નાના બાળકો, મહિલાઓ અને અશક્ત વૃદ્ધો જેઓ રોપ-વેના ભરોસે જ માં અંબાના દર્શનની આશા લઈને જૂનાગઢ આવ્યા હતા, તેઓ ભારે નારાજ થયા છે. ગિરનારના 10,000 પગથિયાં ચડવા અશક્ત હોવાના કારણે ઘણા શ્રદ્ધાળુઓ તળેટીમાંથી જ શીશ ઝુકાવીને ભારે હૈયે પરત ફરી રહ્યા છે.
