ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (ST) ની બસોમાં પાર્સલની હેરફેર માટે વેપારીઓ પાસેથી ગેરકાયદેસર રીતે નાણાં પડાવતા કર્મચારીઓ સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ કડક કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદ એસીબીને એક જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ મળી હતી કે, ઉના રૂટની એસટી બસના કંડક્ટર મનીષ કાનાબાર માછલીના પાર્સલ બસમાં લઈ જવા માટે અને હેરાન ન કરવા માટે નિયમ વિરુદ્ધના નાણાંની માંગણી કરી રહ્યા છે. કંડક્ટરે વેપારી પાસે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જો બસમાં માછલીના પાર્સલ મોકલવા હોય, તો પ્રત્યેક પાર્સલ દીઠ રૂપિયા 100 લેખે અલગથી લાંચ આપવી પડશે.

માછલીના પાર્સલના નામે ભ્રષ્ટાચાર

વેપારી આ ગેરકાયદેસર લાંચ આપવા માંગતા ન હોવાથી, તેમણે તાત્કાલિક અમદાવાદ ACB નો સંપર્ક સાધ્યો હતો અને કંડક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે અમદાવાદ એસીબીની ટેકનિકલ અને ફિલ્ડ ટીમે લાંચના નાણાં વસૂલવાની જગ્યા એટલે કે ઉના બસ સ્ટેન્ડ ખાતે કેમિકલ યુક્ત નોટો સાથે ગોઠવણ કરી હતી. કંડક્ટર મનીષ કાનાબારે જેવો ફરિયાદી વેપારી પાસેથી માછલીના પાર્સલના સેટિંગ પેટે રૂપિયા 2,000 ની લાંચનો સ્વીકાર કર્યો, કે તુરંત જ આસપાસ વોચમાં ગોઠવાયેલા એસીબીના અધિકારીઓએ તેને રંગેહાથ ઝડપી લીધો હતો.

કંડક્ટરે 2,000 ની લાંચનો સ્વીકાર કર્યો

એસીબીએ કંડક્ટરના હાથ ધોવડાવતા તેમાંથી કેમિકલના સચોટ અંશો મળી આવ્યા હતા અને લાંચની રકમ જપ્ત કરવામાં આવી હતી. અમદાવાદ એસીબીએ આરોપી કંડક્ટર મનીષ કાનાબાર વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ ધારા હેઠળ ગુનો નોંધી તેની સત્તાવાર ધરપકડ કરી લીધી છે. એસટી નિગમમાં ચાલતા આવા ભ્રષ્ટાચારના અન્ય કિસ્સાઓ અને કંડક્ટર અગાઉ કેટલા વેપારીઓ પાસેથી આ રીતે નાણાં પડાવી ચૂક્યો છે તે દિશામાં એસીબી આગળની સઘન પૂછપરછ ચલાવી રહી છે.

આ પણ વાંચો: Mahuva: સોસાયટીમાં પ્રવેશવાની ના પાડતા સિક્યુરિટીની ઘાતકી હત્યા, આરોપીની શોધખોળ શરૂ