મહુવા તાલુકા મથકે મોડી રાત્રિના સમયે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહુવા ટાઉનમાં આવેલી ભવાની રેસિડેન્સીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા અને સોસાયટીની સુરક્ષાની જવાબદારી સંભાળતા 68 વર્ષીય વૃદ્ધ રાજેન્દ્રભાઈ રમણીકલાલ જગડાની ઘાતકી હત્યા કરવામાં આવી છે. એક સામાન્ય બાબતમાં થયેલી તકરાર હત્યા જેવા જઘન્ય અપરાધમાં પરિણમતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

ભવાની રેસિડેન્સીમાં ઘાતકી હત્યા

પ્રાપ્ત વિગતો અનુસાર, ગૌરાંગ ઉર્ફે લાલજી ભીલ નામનો શખ્સ પોતાની ભંગારની લારી લઈને ભવાની રેસિડેન્સીમાં અંદર જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ સમયે મેઈન ગેટ પર હાજર સિક્યુરિટી ગાર્ડ રાજેન્દ્રભાઈએ અજાણ્યા શખ્સને અંદર જવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી અને સોસાયટીના નિયમોનું પાલન કરવા જણાવ્યું હતું. પોતાની લારી અંદર ન લઈ જવા દેતા ઉશ્કેરાયેલા ગૌરાંગ ઉર્ફે લાલજી ભીલે વૃદ્ધ સિક્યુરિટી ગાર્ડ સાથે ઉગ્ર ઝઘડો કર્યો હતો અને જોઈ લેવાની ધમકી આપીને ત્યાંથી ચાલ્યો ગયો હતો. ત્યારબાદ તેની કડવાશ અને દાઝ મનમાં રાખીને આરોપીએ રાજેન્દ્રભાઈ પર તીક્ષ્ણ હથિયાર વડે તૂટી પડી આડેધડ ઘા ઝીંકી દીધા હતા. ગંભીર ઈજાઓ થવાને કારણે વૃદ્ધ રાજેન્દ્રભાઈનું ઘટનાસ્થળે જ લોહીલુહાણ હાલતમાં કરુણ મોત નીપજ્યું હતું.

હત્યારો પોલીસના સકંજામાં ટૂંક સમયમાં આવી જશે

હત્યાની આ ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મહુવા ટાઉન પોલીસને જાણ કરી હતી. પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે સોસાયટીના સીસીટીવી ફૂટેજ અને આસપાસના લોકોના નિવેદનોના આધારે આરોપી ગૌરાંગ ઉર્ફે લાલજી ભીલ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. 

આ પણ વાંચો: Banaskantha: ભાભરના ખારા નજીક 3 ગાડીઓ વચ્ચે ભયાનક અકસ્માત, બે લોકોના કમકમાટીભર્યા મોત