ગુજરાતના સર્વોચ્ચ શિખર અને લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન ગિરનાર પર આવતા પ્રવાસીઓની સુરક્ષા અને વન્યજીવોના સંરક્ષણને ધ્યાનમાં રાખીને વન વિભાગ તેમજ સ્થાનિક પ્રશાસન દ્વારા એક નવી ડિજિટલ રજીસ્ટ્રેશન સિસ્ટમ લાવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત આજથી ગિરનાર ચઢતા તમામ યાત્રીઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવું અથવા ક્યુઆર કોડ સ્કેન કરવો ફરજિયાત બનાવવાનો આદેશ હતો. જોકે, વહીવટી તંત્રની ગંભીર બેદરકારીને કારણે આ સમગ્ર પ્રોજેક્ટનો પહેલા જ દિવસે મોટો ફિયાસ્કો થઈ ગયો છે.
ગિરનાર ડિજિટલ રજીસ્ટ્રેશનનો ફિયાસ્કો
આજ સવારથી જ ગિરનારના પગથિયાં ચઢવા માટે ઉત્સુક હજારો પ્રવાસીઓ જ્યારે તળેટીમાં પહોંચ્યા, ત્યારે તેમને ખબર પડી કે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા તો હજુ શરૂ જ થઈ નથી! ઓનલાઈન પોર્ટલ કાં તો બંધ છે અથવા લિંક કામ કરતી નથી. સૌથી આશ્ચર્યની વાત એ છે કે, ડિજિટલ ટ્રેકિંગ માટે જે મુખ્ય પ્રવેશદ્વાર અને નિકાસદ્વાર પર 'ઇન અને આઉટ QR કોડ' લગાવવાના હતા, તેવા કોઈ બોર્ડ કે સ્ટીકર જ તંત્ર દ્વારા લગાવવામાં આવ્યા નથી. સાઇન બોર્ડના અભાવે પ્રવાસીઓએ ક્યાં જવું અને કોને પૂછવું તેની ભારે ગૂંચવણ ઊભી થઈ છે.
પ્રવાસીઓની સુરક્ષા સામે તંત્રની ઢીલી નીતિ
પૂર્વ આયોજન અને મોક ડ્રિલ (ટ્રાયલ) કર્યા વગર જ માત્ર મોટી જાહેરાતો કરી દેવાતા પ્રવાસીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. તળેટીમાં પૂછપરછ બારીઓ પર ભક્તોની લાંબી લાઈનો જોવા મળી રહી છે, જ્યાં તંત્રના કર્મચારીઓ પાસે પણ કોઈ સંતોષકારક જવાબ નથી. ટૂરિસ્ટ ગાઈડ અને સ્થાનિક વેપારીઓ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે, અત્યારે સામાન્ય દિવસોમાં જો આવી હાલાકી છે, તો આગામી દિવાળીના તહેવારો અને વેકેશનના દિવસોમાં જ્યારે લાખોની સંખ્યામાં માનવમહેરામણ ગિરનારની પરિક્રમા અને દર્શન માટે ઉમટશે, ત્યારે આ ગૂંચવણયુક્ત સિસ્ટમ મોટી આફત નોતરી શકે છે. પ્રવાસીઓએ માંગ કરી છે કે તંત્ર કાં તો આ સિસ્ટમ સત્વરે સુધારે અથવા તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને તેને હાલ પૂરતી મોકૂફ રાખે.
આ પણ વાંચો:Ahmedabad: SG હાઇવે પર આગામી 6 મહિના સુધી, ભારે વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ









